શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના નવનિર્મિત રેલવે મથક અને તેના પ્લેટફોર્મ પર નિર્માણ પામેલી ફાઈવ સ્ટાર હોટેલ તેમજ સાયન્સ સિટી ખાતે એક્વેટિક – રોબોટિક ગેલેરી અને નેચરપાર્કનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગાંધીનગરથી વારાણસી, ટ્રેન, ગાંધીનગરથી વરેઠા (તારંગા હિલ્સની નજીકમાં ) સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે.
રેલવે મથકના નવનિર્મિત પ્રોજેકટના એસ.એસ.રાઠોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ”મહાત્મા મંદિર”ની નજદીકમાં જ અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન”માં 3 પ્લેટફોર્મ્સનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં વૈશ્વિક કક્ષાના રેલવે-સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન -એન્ડ પ્લેટફોર્મ, જયારે અન્ય આઇલેન્ડ પ્લેફોર્મ છે.
આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રિયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે. આ ઉપરાંત, અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિઓ માટેનું પ્રતિક્ષા સ્થળ, સેન્ટ્રલી એર-કન્ડીશન્ડ મલ્ટિપર્પસ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, ઑડિયો-વિડિયો, LED સ્ક્રિન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા તથા 105 મીટર લાબું કોલમ વગરનું એલ્યુમિનમની છત ધરાવતું સ્ટેશન છે. આ સ્ટેશન દિવ્યાંગો માટે 100% સાનુકૂળ છે.
સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં શાર્ક સહિત 11600 માછલીઓ જોવા મળશે
સાયન્સ સિટીના ત્રણ પ્રોજેકટની વિગતો આપતા સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરાએ જણાવ્યું હતું કે, “સાયન્સ સિટી ખાતેની એક્વેટિક ગેલેરીએ અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે અને તે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ બની રહેશે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે આ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે.”
તેમણે કહ્યું હતું કે, આ એક્વેરિયમમાં અલગ- અલગ ૬૮ ટેન્કમાં શાર્ક સહિતના ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે ૨૮ મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે”. આ એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસુ એ છે કે અહીં ૧૮૮ પ્રજાતિની ૧૧,૬૦૦થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલેરીમાં ૧૦ અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.
આ ઉપરાંત સાયન્સ સિટી ખાતે ૧૧,૦૦૦ સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૭૯ પ્રકારના ૨૦૦થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. જેમ કે મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, ૧૬ રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ કરશે.
સાયન્સ સિટીનું ત્રીજું આકર્ષણ છે નેચર પાર્ક છે. ૨૦ એકરમાં પથરાયેલા આ નેચર પાર્કમાં ૩૮૦થી વધુ સ્પીસિસ જોવા મળશે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે. જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉન્ડેટ સ્લોથ બેર, ઉધઈના રાફડા અને મધપુડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. આ મુલાકાતને યાદગાર બનાવવા માટે સેલ્ફી કોર્નર પણ છે.
આ પ્રકલ્પ 17-07-2021 જાહેર જનતા માટે ખૂલ્લો મુકાશે. જેનો સમય સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ વાગ્યા સુધીનો રહેશે. શરૂઆતમાં 500 લોકોને પ્રવેશ આપવામા આવશે. અહીં પ્રવેશ માટે રૂા. 50 ફી આપવાની રહેશે. આ માટે ઓલલાઈન પ્રવેશ જ અપાશે. એક્વેટિક ગેલેરી તેમજ રોબોટિકસ ગેલેરીમાં પ્રેવશ ફી 200થી 250 રહેશે તે પણ ઓન લાઈન ચૂકવવાની રહેશે. કોઈ પણ વ્યકિત્ત રૂબરૂ જશે તો તેને પ્રવેશ મળશે નહી. સાયન્સ સિટીની વેબ સાઈટ કે પછી મોબાઈલ એપ્લિકેશન પરથી બુકિંગ કરી શકાશે.