વલસાડ : વલસાડમાં એસપી ડો. કરનરાજ વાઘેલાએ હથિયારના પરવાના(લાયસન્સ) ઘટાડવાનું એક અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત તેમના દ્વારા જિલ્લાના કુલ 708 હથિયાર પરવાના પૈકી 164 પરવાના રદ કરી દીધા છે. જ્યારે 11 પરવાના સસ્પેન્ડ કરી દીધા છે. તેમના આ અભિયાનમાં 19 હથિયાર પરવાનેદારો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમના પણ પરવાના રદ કરાયા હતા.
- વલસાડ એસપીએ અભિયાન હાથ ધરી ગુનેગારો, વૃદ્ધો અને મૃતકોના લાયસન્સ રદ કર્યા
વલસાડ જિલ્લામાં હથિયારના કુલ લાયસન્સ 707 છે. જેમાં 101 પરવાના પાક રક્ષણના છે અને 607 સ્વસુરક્ષાના છે. આ લાયસન્સ ધારકોની સંખ્યા ઘટાડવા માટે હાથ ધરેલા એક અભિયાન અને રિવ્યુમાં સ્વરક્ષણના 87 પરવાના રદ કરાયા છે. જ્યારે પાક રક્ષણના 139 પરવાના રદ કરાયા છે. કલેક્ટર અને પોલીસ દ્વારા કુલ 164 પરવાના રદ કરાયા છે.
આ અંગે પત્રકાર પરિષદમાં કલેક્ટર અને ડીએસપીએ જણાવ્યું કે, ઘણા સમયથી હથિયારના લાયસન્સ અંગે રિવ્યુ કરાયું ન હતુ. તેનું રિવ્યું જરૂરી છે. રદ થયેલા કેટલાક લાયસન્સ ધારકો સામે ગંભીર ગુનાઓ દાખલ થયા હોવાનું જાણવા મળ્યું હતુ. જેના કારણે તેમના પરવાના રદ કરી દેવાયા છે. તો કેટલાક લાયસન્સ ધારકો અત્યંત વૃધ્ધ થઇ ગયા હતા તો કેટલાક પરવાનેદાર મૃત્યુ પામ્યા હતા. તો કેટલાકે લાયસન્સ રિન્યુ પણ કરાવ્યું ન હતુ. ત્યારે આ તમામના હથિયારના લાયસન્સ રદ કરાયા છે.