મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા 16,620 કેસ નોંધાયા હતા. જે ગત વર્ષે 1 ઓક્ટોબર બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ ઉપરાંત, કોરોનાના કારણે 50 લોકોના મોત પણ થયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 23.14 લાખ થઈ ગઈ છે. અત્યાર સુધી કોરોનાથી 52,861 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તેમજ શુક્રવાર અને શનિવારે પણ 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુણે, નાગપુર, મુંબઇ, થાણે અને નાસિકનો સમાવેશ થાય છે. આ દરમિયાન, દિલ્હીમાં કોરોનાની નવી લહેર શરૂ થવાની ભીતિ શરૂ થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં નોંધાયેલા દર્દીઓ દેશના ટોચના 10 રાજ્યોના એક દિવસના કુલ કેસ કરતાં પણ વધુ છે. આ વચ્ચે વહીવટીતંત્રે લાતુર જિલ્લામાં નાઇટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. લાતુરના તમામ સાપ્તાહિક બજારો 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટછાટ અપાશે.
દિલ્હી આરોગ્ય વિભાગ અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 407 નવા કેસ નોંધાયા છે. આ સાથે દર્દીઓની કુલ સંખ્યા વધીને 6,43,696 થઈ ગઈ છે. દિલ્હીમાં શુક્રવારે 431 કેસ મળી આવ્યા હતા. જે 2 મહિનામાં સૌથી વધુ હતા.
પરંતુ, દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કહ્યું હતું કે, દરરોજ 400થી વધુ દર્દીઓ મળવા ચિંતાજનક નથી, કારણ કે પોઝિટિવિટી રેટ હજુ 1%ની નીચે છે.સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે, જો કડક પગલાં લેવામાં નહીં આવે તો આ નવા કેસોમાં ઝડપથી વધારો થઈ શકે છે. આઇસીએમઆરના મહામારી અને સંચાર રોગના વિભાગના પૂર્વ પ્રમુખ ડો.લલીત કાંતે જણાવ્યું હતું કે, કોરોના હજી પણ અહીં છે, આ અંગે લોકોમાં જાગૃતતા લાવવી જરૂરી છે.