નવી દિલ્હી: આફ્રિકન(African) દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં (Equatorial Guinea) 16 ભારતીય ખલાસીઓ (Indian sailors) છેલ્લા 80 દિવસથી ફસાયેલા છે. તેઓ ભારતીય સરકારને (Indian Government) મદદ (Help) માટે વિનંતીઓ કરી રહ્યા છે, તેઓને ડર છે કે નાઈજિરિયન નૌકાદળ તેમની ધરપકડ ન કરે. હાલમાં, ઇક્વેટોરિયલ ગિનીમાં ભારતીય દૂતાવાસ આ ખલાસીઓને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમના તરફથી ત્યાંના પ્રશાસન સાથે સતત વાતચીત ચાલી રહી છે, ઉકેલ લાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.
રાજ્યસભાના સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો
આ મામલે ભારતીય દૂતાવાસે કહ્યું છે કે ઓગસ્ટથી 16 નાવિકોને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. અમે સતત તેઓ સાથે ફોન પર વાત કરીએ છીએ. અમે તે લોકોને પણ મળ્યા છીએ. આ મામલે અમે જલ્દી ઉકેલ લાવવાનો પ્રયાસો કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે આ મુદ્દો સૌથી પહેલા રાજ્યસભા સાંસદ એએ રહીમે વિદેશ મંત્રાલયની સામે ઉઠાવ્યો હતો. તેમણે જ જણાવ્યું હતું કે 16 ભારતીય ખલાસીઓની અટકાયત કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઇક્વેટોરિયલ ગિનીના વહીવટીતંત્રે જહાજના માલિક પાસેથી પકડાયેલા ખલાસીઓને છોડવા માટે ફી પણ વસૂલી હતી છતાં પણ તેઓને પકડી લેવામાં આવ્યા અને હજી સુધી છોડવામાં આવ્યા નથી.
ફસાયેલા ખલાસીઓએ શું કહ્યું?
ઇક્વેટોરિયલમાં ફસાયેલા ખલાસીઓનો મદદ માંગતો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે તેમને ન તો ખાવાનું મળી રહ્યું છે અને ન તો તેમની પાસે અન્ય જરૂરી વસ્તુઓ છે. વીડિયોમાં જહાજ પર હાજર રહેલા કેપ્ટન તનુજ મહેતાએ ત્યાં હાજર તમામ ખલાસીઓની કહાની વિસ્તારપૂર્વક વર્ણવી હતી.
ખલાસીઓ કહે છે કે અમને જહાજમાંથી ઉતારીને ઇક્વેટોરિયલ ગિનીના ડિટેન્શન સેન્ટર જેવી જગ્યાએ બંધ કરી દેવામાં આવ્યા છે. અમારી પાસે પીવા પાણ તેમજ ખોરાક પણ નથી, સૂવા માટે પથારી નથી. અમને અહીં બંધ રૂમમાં રાખવામાં આવ્યા છે અને બહાર જવાની મંજૂરી નથી. અમને લાગે છે કે આ લોકો હવે અમને કોઈક રીતે નાઈજીરિયાની જેલમાં મોકલવાનો પ્રયાસ કરશે. અમારા પરિવારના સભ્યો અમારી ચિંતા કરી રહ્યા હશે. અમે ભારત સરકારને મદદ માટે વિનંતી કરીએ છીએ. તેઓ અમને મદદ કરી શકે છે. તેમના સિવાય થર્ડ ઓફિસર રોશન અરોરાએ પણ વીડિયો દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.
પીએમ મોદીને મદદની અપીલ કરી
તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે કૃપા કરીને અમને અહીંથી બહાર કાઢો. અમે છેલ્લા 85 દિવસથી અહીં ફસાયેલા છીએ. અહીંની નૌકાદળ પહેલાથી જ અમારા ચીફ ઓફિસરને પોતાની સાથે લઈ ગઈ છે. રાત્રે અમને નાઈજીરિયા નેવીને પણ સોંપી દેવામાં આવશે. કમાન્ડરો અહીં આવી ચૂક્યા છે, હવે આગળ શું થવાનું છે તેની અમને કંઈ ખબર નથી. અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ છીએ કે પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર ચોક્કસપણે અમને મદદ કરશે અને અમને અહીંથી બહાર કાઢશે.
જો કે ભારતીય સરકાર દ્વારા હાલ ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેઓ ક્યારે મુક્ત થશે તે સ્પષ્ટ નથી. આ ઘટના પર ઓએસએમનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફસાયેલા ખલાસીઓ સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમના પર સત્તાવાર રીતે કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી, પરંતુ તેમ છતાં તેઓ છેલ્લા ત્રણ મહિનાથી કેદમાં છે. આ મોટો અન્યાય છે. જો આ જહાજ અન્ય દેશના અધિકારક્ષેત્રમાં જાય છે, તો ટૂંક સમયમાં ઉકેલ શોધવાની આશા પણ ઓછી થઈ જશે.