સુરત: હાલમાં યુવાનોમાં સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ (viral) થવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેથી સુરતમાં અવારનવાર યુવાનો જોખમી સ્ટંટ (Stunt) કરતાં જોવા મળે છે. ત્યારે આવી જ એક ઘટના ઉધના મગદલ્લા રોડ (Udhana Magdalla) ઉપર બની હતી. હિન્દુ સંગઠન નેતા વિકાસ સહિત કુલ 19 યુવાનો 11 જેટલી લક્ઝુરીયસ (Luxurious) કાર (Car) લઈને રીલ (reel) બનાવવા નીકળી પડ્યા હતા. જેમની ખટોદરા પોલીસ (Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરત ઉધના મગદલ્લા રોડ ઉપર 11 લક્ઝુરિયસ કારનો કાફલો કાઢી રીલ બનાવી કાયદાનું ઉલ્લંઘન કરનાર કાર ચાલકોને કાર પર સ્ટંટ કરવાનું ભારે પડ્યું છે. કાર ઉપર જોખમી સ્ટંટ કરવાના ગુનામાં હિન્દુ સંગઠન નેતા વિકાસ સહિત 19 જણા સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે ઘટના ઉધના મગદલ્લા રોડની છે અને તેઓએ 19 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં 11 કાર ચાલકો છે. વિકાસ આહીર સહિત 16 જણાની ધરપકડ કરાઈ છે. આ વીડિયો વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો હતો. વધુમાં ખટોદરા પોલીસે તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાથી પણ રીલ બનાવી વાઇરલ કરનારને ઝડપી પાડવામાં આવ્યો
વડોદરામાં એક ટપોરી પેરોલ પર જેલ માંથી છૂટયા બાદ જેલ બહાર તેના સાગરીતો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેની રીલ બનાવી સોશયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી. જેલ સંકુલની આ રીલ વાયરલ થતા પોલીસ વિભાગ પણ દોડતું થઇ ગયું હતું.
ત્યારબાદ પોલીસે આ સાગરીતોને એક બાદ એક પકડીને જેલભેગા કર્યા હતા. જો કે આ ટપોરીઓ જેલમાંથી છૂટયા બાદ જાણે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોય તેટલી છાતી ફુલાવતા હતા. હાલમાં જ આ ટપોરીમાંનો એક સુલતાન પેરોલ પર છૂટ્યો હતો, તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના સાગરીતો તેને વધાવવા માટે ગયા હતા અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો. મધ્યસ્થ જેલ સંકુલમાં જ બનેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર ચઢાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી.