Gujarat

ગુજરાતમાં 15મી જૂનથી લવજેહાદ વિરોધી કાયદાનો અમલ શરૂ

રાજ્યમાં આગામી તા.15મી જૂનથી લવજેહાદ વિરોધી કાયદાની જોગવાઈનો અમલ શરૂ કરાશે. તાજેતરમાં આ કાયદાને રાજ્યપાલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. રાજ્યમાં યુવતીઓને લગ્નની લાલચ આપીને પછીથી ધર્મ પરિવર્તન કરાવવા આવતું હોવાની ઘટનાઓ વધી જતાં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં લવજેહાદ જેવી પ્રવૃત્તિઓ, લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે એ સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં હવે આગામી તા.૧પ જૂન-ર૦ર૧થી રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-ર૦ર૧ અમલી કરવાનો નિર્ણય કર્યો છે. જેની મહત્વની જોગવાઈ નીચે મુજબ છે.

માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્ન અથવા લગ્નના હેતુથી કરેલા ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલા લગ્ન ફેમિલી કોર્ટ, ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં.

આ અંગે સાબિત કરવાનો ભાર (Burden of Proof) આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે. ગુનાની કોઇપણ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ/સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના શરૂ કરી શકાશે નહીં. આ કાયદા હેઠળના ગુના પોલીસ અધિકાર હેઠળના ગુના ગણાશે તેમજ તેની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટરથી ઊતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં.

આ છે સજા અને દંડની જોગવાઈ

  1. ગુનો કરનાર/કરાવનાર/મદદ કરનાર/સલાહ આપનાર તમામ સમાન પ્રકારે દોષિત ગણાશે. આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને ૩ વર્ષથી ઓછી નહીં અને ૫ વર્ષ સુધીની કેદ અને રૂ.૨ લાખથી ઓછા નહીં તેમ દંડને પાત્ર થશે.
  2. •સગીર, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં સજાની જોગવાઇ ૪થી ૭ વર્ષ સુધીની કેદ અને રૂ. ૩ લાખથી ઓછા નહીં તેમ દંડને પાત્ર થશે.
  3. કોઇ નારાજ થયેલી વ્યક્તિ, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વરૂપે હોય તેવી બીજી કોઇ વ્યક્તિ દ્વારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે FIR દાખલ કરાવી શકાશે. આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરાશે તેમજ આવી સંસ્થાને ૩ વર્ષથી ઓછી નહીં અને ૧૦ વર્ષ સુધીની કેદ તથા રૂ.૦૫ લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલી તારીખથી રાજ્ય સરકાર દ્વારા નાણાકીય મદદ/અનુદાન મળવાપાત્ર થશે નહીં. આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નિઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ Deputy Superintendent of Policeથી ઊતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં.
  4. બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૩ વર્ષ સુધીની કેદ અને ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ.
  5. સગીર, સ્ત્રી, અનુસૂચિતજાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૪ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ.
  6. ધર્મ પરિવર્તનની ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી. જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસ પછી ૧ મહિનાની અંદર પરવાનગી આપવી/ઇન્કાર કરવો. ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી ન મેળવી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને.
  7. ધર્મ પરિવર્તન કરનારે ધર્મ પરિવર્તનની વિધિની તારીખથી ૧૦ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ ન કરી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને.

Most Popular

To Top