કોરોના સંક્રમણને લીઘે સહકારી બેંકોને ધિરાણ સામે રિકવરી મેળવવા મુશ્કેલી થતા ઘણી બેંકોની બેલેન્શસીટ બગડી હતી અને નફામાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો. 40 ટકાથી વધુ બેંકોના એનપીએ રેશિયોમાં વધારો થતા આરબીઆઇએ કોરોનાકાળમાં બેંકોની નાણાકીય તરલતા જાળવી રાખવા નાણાકીય વર્ષ 2019-20માં ડિવિડન્ડ નહીં ચુકવવા આદેશ આપ્યો હતો.
તેને પગલે 1539 સહકારી બેંકોના શેર હોલ્ડરોને 1000 કરોડથી વધુનું ડિવિડન્ડ નાણાકીય વર્ષમાં ચુકવ્યું ન હતું. તેને લીધે સહકારી બેંકોની 1000 કરોડ સુધીની મૂડી બચતા બેંકો કામકાજ વધુ સરળ રીતે કરી શકી છે.
બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંત ડો. જતીન નાયકે કહ્યું કે, રિઝર્વ બેન્ક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે, તે અનુસાર સહકારી બેન્કોના સભાસદોને આ વખતે વાર્ષિક ડિવિડન્ડ નહીં ચૂકવવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જેનું પાલન રાજ્યની 1539 સહકારી બેન્કોની શાખાઓએ કર્યુ હતું. સામાન્ય રીતે સહકારી બેન્કો દ્વારા સભાસદોને 10થી 15 ટકા વાર્ષિક ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે.
મોટાભાગે સિનિયર સિટીઝન અને નિવૃત કર્મચારીઓ શેરમૂડીમાં રોકાણ કરી વર્ષે 15 ટકા ડિવિડન્ડ મેળવી અન્ય આવક સાથે જીવન નિર્વાહ કરતા હોય છે. ચાલુ વર્ષે તેમને કોરોનાને લીધે મોટું નુકસાન થયું છે. કારણ કે બેંકોએ પણ તેના ઓડિટ રિપોર્ટમાં ડિવિડન્ડ નીલ ચૂકવ્યું હોવાનો ઉલ્લેખ કરી દીધો છે. હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે પણ ડિવિડન્ડ મળશે કે કેમ?.