નવી દિલ્હી: પાડોશી દેશ મ્યાનમાર (Myanmar) હાલના દિવસોમાં અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન મ્યાનમારના કેટલાક સૈનિકો (Soldiers) ભાગીને ભારત પહોંચ્યા હતાં. સૈનિકો ગઇ કાલે શનિવારે 151 ભારતના (India) મિઝોરમમાં (Mizoram) આશરાની શોધમાં આવ્યા હતાં. અગાઉ નવેમ્બરમાં પણ કેટલાક સૈનિકો આશરો (shelters) મેળવવા માટે ભારત પહોંચ્યા હતાં.
મ્યાનમારના સૈનિકોએ જણાવ્યું હતું કે શુક્રવારે ‘અરાકાન આર્મી’ના સૈનિકો દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના તેમના કેમ્પ ઉપર કબ્જો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેઓ પોતાના શસ્ત્રો સાથે ભાગીને ભારત પહોંચ્યા હતાં. ભારત આવી તેઓ સૌપ્રથમ મિઝોરમના લોંગટલાઈ જિલ્લાના તુયસેન્ટલાંગ ખાતે પહોંચ્યા હતાં. તેમજ અહીં તેઓ આસામ રાઈફલ્સને મળ્યા હતાં. તેમજ આપવીતિ કહી હતી. તેમજ જણાવ્યુ હતું કે અરાકન સૈનિકો સાથૈ તેઓનો સંઘર્ષ ઘણા લાંબા સમયગાળાથી ચાલી રહ્યો છે.
અરાકાન આર્મી અને મ્યાનમાર આર્મી વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે
અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સરહદની નજીકના વિસ્તારોમાં મ્યાનમાર આર્મી અને અરકાન આર્મીના લડવૈયાઓ વચ્ચે ઉગ્ર ગોળીબાર ચાલી રહ્યો હતો. તેમજ શુક્રવારે મિઝોરમમાં આશરાની શોધમાં આવેલા મ્યાનમાર આર્મીના કેટલાક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમજ તેઓને આસામ રાઈફલ્સ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ આ તમામ મ્યાનમારના આર્મી સૈનિકો હવે મ્યાનમાર સરહદ નજીક લોંગતાલાઈ જિલ્લાના પર્વમાં આસામ રાઈફલ્સની સલામત કસ્ટડીમાં છે.
સૈનિકોને મ્યાનમાર પરત મોકલવામાં આવશે
આસામ રાઈફલ્સના અધિકારીઓએ સમગ્ર મામલે કહ્યું હતું કે મ્યાનમારના સૈનિકોને થોડા જ દિવસોમાં તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે. કારણ કે વિદેશ મંત્રાલય (MEA) અને મ્યાનમારની સૈન્ય સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે.
અગાઉ નવેમ્બરમાં કુલ 104 મ્યાનમારના સૈનિકો મિઝોરમ ભાગીને આવ્યા હતા. તે સમયે મ્યાનમાર-ભારત સરહદ પરના તેમના લશ્કરી ઠેકાણાઓને લશ્કર-પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓને ભારતીય વાયુસેના દ્વારા મણિપુરના મોરેહમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતાં. જ્યાંથી તેઓને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને મ્યાનમારના નજીકના સરહદી શહેર તમુમાં પહોંચાડવામાં આવ્યા હતાં.
જણાવી દઇયે કે ભારત અને પાડોશી દેશ મ્યાનમાર વચ્ચે 1640 કિલોમીટર લાંબી સરહદ છે. જે નાગાલેન્ડ અને મણિપુર જેવા ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે જોડાયેલી છે. તેમજ મ્યાનમારના સંઘર્ષ દરમિયાન ફેબ્રુઆરી 2021 થી મ્યાનમારના 31 હજાર લોકોએ મિઝોરમમાં આશ્રય લીધો છે.