Business

પહેલીવાર નોકરી કરનાર યુવાનોને મોટી ભેટ, સરકાર આપશે 15,000 !

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3.0 સરકારનું પહેલું સામાન્ય બજેટ આજે તા. 23 જુલાઈના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. આ બજેટમાં યુવાનો માટે મોટી પ્રોત્સાહક જાહેરાતો કરવામાં આવી છે. પહેલીવાર નોકરી પર જોડાનાર નોકરીયાત યુવાનોને 15,000 સુધીની મદદ કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે, રોજગાર અને કૌશલ્ય વિકાસ એ સરકારની નવ પ્રાથમિકતાઓમાંની એક છે. આ અંતર્ગત પહેલીવાર નોકરી શોધનારાઓને મોટી મદદ મળવા જઈ રહી છે. પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે.

આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. ઈપીએફઓમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. પાત્રતા મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે. સરકાર રોજગારમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને પણ લાભ આપવા જઈ રહી છે. આ લાભ પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફમાં એક મહિનાના યોગદાનના રૂપમાં હશે.

આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ટોપ-500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ‘સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. જેમાં યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોનો સામનો કરવાની તક મળશે.

આ અંતર્ગત યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.

એજ્યુકેશન લોન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે
સરકાર દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડશે. એજ્યુકેશન લોન પર નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય આપશે.

Most Popular

To Top