Dakshin Gujarat

ઉમરગામની 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મેરેથોન દોડ બાદ મોત, હાર્ટ એટેકથી મોત થયાની આશંકા

ઉમરગામ: હાર્ટ એટેકના વધતા જતા બનાવોએ વધુ એક આશાસ્પદ જિંદગી છીનવી લીધી છે. ઉમરગામ સોળસુંબા ગામને અડીને મહારાષ્ટ્રના વેવજી ખાતે સ્કૂલમાં અભ્યાસ કરતી એક 15 વર્ષીય વિદ્યાર્થીનીએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. દરમિયાન અચાનક તેની તબિયત લથડતા હાર્ટ એટેકથી મોત થયાની આશંકા છે. પરિવારજનોએ સ્કૂલ ઉપર વાપરવાહીનો આરોપ લગાવ્યો છે.

ઉમરગામ તાલુકાના ઉમરગામ કાકરીયા મોરા સોળસુંબા ગામે રહેતા ગોસ્વામી પરિવારની 15 વર્ષથી દીકરી રોશની ગોસ્વામી મહારાષ્ટ્રના વેવજી ગામે લોકમાન્ય ભારતીય એકેડમી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 કિ.મી મેરેથોન દોડનું આયોજન કરાયું હોવાથી તેણે પણ ભાગ લીધો હતો. સવારે પરિવારના આશીર્વાદ લીધા બાદ દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જો કે દોડ પૂરી થયા પછી શ્વાસ ફુલતા અચાનક તબિયત લથડી હતી અને ઉમરગામ ગાંધીવાડી ખાતે રેફરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ વિદ્યાર્થીનીનું હાર્ટ બંધ થઈ ગયું હતું. તેઓએ સીપીઆર અને ઇન્જેક્શન આપી ઘણી કોશિશ કરી હતી, પરંતુ જીવ રોશનીનો જીવ બચાવી શકાયો ન હતો. ડોક્ટરોએ હાર્ટ એટેકથી મોત થયાની હાલમાં તો આશંકા વ્યક્ત કરી છે. બનાવ અંગે મહારાષ્ટ્ર પોલીસે અકસ્માત મોત નોંધી મૃતદેહનું પીએમ કરાવવામાં આવ્યું છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનુ સાચું કારણ બહાર આવશે.

હોસ્પિટલ લઈ જવામાં સમય કેમ બગાડાયો? પરિજનોનું આક્રંદ
અચાનક દીકરીના મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોમાં તથા સ્કૂલમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે. આ તરફ પરિવારજનો સ્કૂલ સામે લાપરવાહીનો આરોપ લગાવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળે મેડિકલ ટીમ કેમ હાજર ન રખાઈ? એમ્બ્યુલન્સમાં લઈ જવાના બદલે ખાનગી કારમાં કેમ લઈ જવાઈ? અને હોસ્પિટલ લઈ જવામાં સમય કેમ બગાડવામાં આવ્યો? વિગેરે સવાલો પરિવારજનો ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top