સુરત: સુરત (Surat) શહેરના સરથાણા વિસ્તારમાં સર્જાયેલી કરૂણાંતિકાથી સૌ કોઈ ચોંકી ગયા છે. ગરબા (Garba) રમીને ક્લાસીસ (Classes) નજીક મિત્ર સાથે ઠંડુ પીવા ગયેલા વિદ્યાર્થીને (Student) કરંટ (Current) લાગતા તેનું કરૂણ મોત (Death) નિપજ્યું હતું. જયારે મિત્રને પણ ઝાટકો લાગ્યો હતો. જોકે સદનીસબે તેનો બચાવ થઇ ગયો હતો. જયારે આ કરૂણ ઘટનાને પગલે અને એકના દીકરાના અકાળે મોતથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
સરથાણા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા નાકા ખાતે આવેલી ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતો હેત સંજય વિરાણી (ઉં.વ.૧૫ ) સરથાણા ખાતે આવેલ યોગી આર્કેડમાં ગરબા શીખવા માટે જતો હતો. ગઈ કાલે રાત્રે દશેક વાગ્યાના સુમારે ગરબા ૨મીને ક્લાસીસમાંથી બહાર નીકળીને ત્યાં જ નજીકમાં આવેલ સોડાની એક દુકાન પર મિત્ર સાથે ઠંડુ પીવા માટે ગયો હતો. ત્યારે સોડા મશીનના કોમ્પ્રેશરને અડી જવાને કારણે તેને કરંટનો ભયંકર ઝાટકો લગતા ત્યાંજ ઢળી પડ્યો હતો.
એટલુંજ નહીં તેના મિત્રને પણ સામાન્ય ઝાટકો લાગ્યો હતો. હેતને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર પરના ડોક્ટરોએ તેને મરણ જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે હેત માતા પિતાનો એકનો એક દીકરો હતો. તેને એક બહેન છે અને તેના પિતા ફાસ્ટફૂડની દુકાન ચલાવે છે. ઘટના અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
હેતએ હાલમાં ધો. 10 બોર્ડની પરીક્ષા આપી હતી
હેતએ હાલમાં જ બોર્ડની દશમા ધોરણની પરીક્ષા આપી હતી અને હાલમાં તેનો વેકેશન ચાલી રહ્યું હતું. દરમિયાન તે યોગી આર્કેડમાં આવેલા એક ગરબા કલાસીસમાં ગરબા શીખવા માટે જઈ રહ્યો હતો. ગત રાત્રે ક્લાસીસમાંથી ગરબા રમીને બહાર નીકળ્યો ત્યારે પરસેવાના લિધે તેનો શરીર વધારે ભીનો થઇ ગયો હતો. જયારે તેના મિત્રને પણ થોડો પરસેવો હતો. ગરબા ક્લાસીસમાંથી બહાર નીકળીને બન્ને જણા ત્યાં જ નજીકમાં આવેલ સોડાની દુકાનમાં ઠંડુ પીવા માટે ગયા હતા ત્યારે હેત ભીના શરીરે કોમ્પ્રેશરને અડી જતા તેને કરંટનો ઝાટકો લાગ્યો હતો.