ગાંધીનગર: અમરનાથ(Amarnath)માં વાદળ ફાટવા(Cloud Burst)ના કારણે ભારે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધીમાં 15 લોકો મોત(Death)ને ભેટ્યા છે. જ્યારે 40થી વધુ લોકો હજુ પણ લાપતા છે. સેનાના જવાનો હવે રેસ્ક્યુ ઓપરેશન(Rescue Operation)માં જોડાઈ ગયા છે. અમરનાથની યાત્રાએ ગુજરાત(Gujarat)માંથી પણ અનેક શ્રધ્ધાળુઓ ગયા છે. જેમાં સુરત(Surat)માંથી ગયેલા લોકો અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. અડાજણ વિસ્તારમાંથી યાત્રાએ ગયેલુ ગ્રુપ સુરત પરત ફર્યું છે. તેમજ સુરત જીલ્લામાંથી યાત્રાએ ગયેલા તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. જયારે જામનગર(Jamnagar) શહેરમાંથી ગયેલા 20 જેટલા લોકો આ તબાહીના પગલે ફસાઈ ગયા છે.
સુરતનાં 15થી 18 લોકો સહીસલામત પરત ફર્યા
સુરતમાંથી અનેક યાત્રાળુઓ અમરનાથ યાત્રાએ ગયા હતા. જે પૈકી અડાજણ વિસ્તારમાંથી એક ગ્રુપ પણ યાત્રાએ ગયું હતું. જો કે આ તમામ 15થી 18 લોકો સહી સલામત સુરત આવી પહોંચ્યા છે. જેનાં પગલે પરિવારજનોએ રાહત અનુભવી હતી.
સુરત જીલ્લામાંથી 85 લોકો યાત્રાએ ગયા હતા
સુરત જીલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓનાં પરિવારજનોને તબાહીનાં સમાચાર મળતા ચિંતિત થઇ ગયા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 9 જીલ્લામાંથી 85 જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાંથી યાત્રાએ ગયા હતા. જેમાં કુલ 4 જેટલી બસ શ્રીનગર(Srinagar) પહોંચી હતી. જો કે વાદળ ફાટવાની ઘટનાના સમાચાર મળતા આ તમામ લોકોને શ્રીનગર પાસે જ અટકાવી દેવામાં આવ્યા છે. ત્યાંથી આગળ કોઈને જવા દેવામાં આવ્યા નથી. આ તમામ લોકો હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરનાં 20 લોકો ફસાયા
અમરનાથમાં વાદળ ફાટતા જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ યાત્રિકોને વાદળ ફાટતા સંગમ ઘાટી પાસે રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા. જેના કારણે યાત્રિકોને ફરજિયાત અધવચ્ચે જ રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી. યાત્રિકોએ સંગમ તીર્થ ખાતે જ રાત્રી રોકાણ કર્યું છે.
દંપતી ફસાતા પરિવારનાં શ્વાસ અદ્ધર થયા
જામનગરનું એક દંપતી પણ ફસાતાં તેમના પરિવારજનો ચિંતાતુર બની ગયાં હતાં. જો કે, રાહતની વાત એ છે કે, જામનગરના આ દંપતી હાલ અમરનાથની ગુફાથી ત્રણ કિ.મી દુર એક કેમ્પમાં આશ્રય સ્થાન મેળવ્યું છે. તેઓના જણાવ્યા પ્રમાણે, બાલતાલ બેઝ કેમ્પથી બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતાં. જ્યારે તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ સંગમ ઘાટી નજીક પહોંચ્યા ત્યાં જ વાદળ ફાટયું હોવાના સમાચાર મળતાં યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી હતી. વાદળ ફાટ્યાનાં સમાચારથી પરિવારજનોએ સંપર્ક કરતા પહેલા તો સંર્પક ન થયો જેથી તમામ લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. થોડા સમય બાદ ફરી સંર્પક કરતા તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
ગુજરાત સરકાર સતત કેન્દ્રના સંપર્કમાં
અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની ઘટનામાં ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ ફસાયા હોવાનું સામે આવતા રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે. આ સાથે જમ્મૂ કશ્મીરના સ્થાનિક તંત્ર સાથે પણ અધિકારીઓ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.