આફ્રિકાના કેન્યાના એક પૂરગ્રસ્ત ટાપુ પર પાણીનું સ્તર વધતા એક સ્થળે નવ જીરાફ ફસાઇ ગયા હતા. આ બધા જીરાફ રોકુ વનવિસ્તારનકા બેરિન્ગો તળાવના વિસ્તારમાં ચરવા ગયા હતા પરંતુ ભારે વરસાદ અને એકધારો વરસાદ શરૂ થયા બાદ અહીં મોટા પ્રમાણમાં પાણી ભરાઇ જતા તેઓ ફસાઇ ગયા હતા.
વન્ય જીવ સંરક્ષણ કાર્યકર્તાઓને આ વાતની ખબર પડતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા પરંતુ આ બધા જીરાફને બચાવવાનું ત્યાંના સંજોગો જોતા ઘણુ મુશ્કેલ હતું, પરંતુ નિકંદનને આરે આવી ગયેલી આ પ્રજાતિના જીવોને કોઇપણ ભોગે બચાવવા તેઓ મક્કમ હતા.
તેમણે આ જીરાફોને જીવતા રાખવા તેમને ખોરાક પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું અને આયોજનબધ્ધ રીતે એક પછી એક જીરાફને મહામુશ્કેલીએ કાઢીને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી જેમાં મહિનાઓ લાગી ગયા હતા.
આ દરમ્યાન જ આ ટોળામાંની એક સગર્ભા માદા જીરાફે એક બચ્ચાને જન્મ આપ્યો હતો અને માતા સાથે આ નવજાત બાળકને સલામત સ્થળે ખસેડવાનું ઘણુ મુશ્કેલ હતું છતાં તેમણે આ કામગીરી પર સફળતાપૂર્વક પાર પાડી હતી.
આ જીરાફોને બહાર કાઢવા માટે ખાસ બનાવાયેલા બાર્જનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને પીપડાઓ પર તરતું મૂકવામાં આવ્યું હતું. છેલ્લે નવજાત બાળ જીરાફ અને તેની માતાને બહાર કઢાયા હતા અને ૧પ મહિનાથી ચાલતી આ બચાવ કામગીરીનો સુખદ અંત આવ્યો હતો.