મોદી સરકાર દ્વારા જીએસટી લાગુ કરાયો હતો, ત્યારથી સ્લેબના સંદર્ભમાં કેટલાક વિવાદો ચાલી રહ્યા હતા. જોકે, આ પગલાંથી સરકારને આવકમાં નુકશાન થશે કે નહિ તે અંગેના અભ્યાસ બાદ સરકાર દ્વારા બે સ્લેબમાં ફેરફાર કરવા તૈયાર થઇ છે. જેમાં સરકારે જીએસટીના 12 ટકા તથા 18 ટકાના સ્લેબને મર્જ કરવાની દિશામાં આગળ વધી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આગામી જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ સંદર્ભમાં નિર્ણય લેવાય તેવી સંભાવના જોવાઇ રહી છે. જો 12 ટકા અને 18 ટકાના સ્લેબને મર્જ કરવામાં આવશે તો નવો વચલો ટેક્સ એટલે કે 15 ટકાનો સ્લેબ આવી શકે છે. જેના લીધે 12 ટકામાં સમાવિષ્ટ વસ્તઓના ભાવો મોંઘા થશે, જ્યારે 18 ટકાના સ્લેબની વસ્તુઓના ભાવો સસ્તા થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 12 ટકાના સ્લેબમાં ઘી-બટર-ચીઝ જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે 18 ટકાના સ્લેબમાં સાબુ, કિચનવેર જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
જીએસટી કાઉન્સીલની બેઠકમાં રાજ્યોની ઇનડાયરેકટ ટેક્સની બોડીમાં આ મુદ્દે ચર્ચા થઇ શકે છે. જોકે, ઘણા રાજ્યો દ્વારા આ બે સ્લેબને મર્જ કરવાની ઘણા લાંબા સમયથી માગ કરી રહ્યા છે અને 15મી ફાઇનાન્સ કમિશને પણ આ સંદર્ભમાં ભલામણ કરી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશમાં ચાર પ્રાયમરી સ્લેબ છે.
જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનોસમાવેશ થાય છે. જેમાં અલગ અલગ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કિંમતી પથ્થરો અને મેટલ્સ ઉપર 0.25 ટકા અને 3 ટકાનો સ્પેશ્યલ જીએસટી સ્લેબ પણ છે. જ્યારે લકઝરી અને ડીમેરિટ ગુડઝ જેવા ઓટોમોબાઇલ્સ, તમાકુ સહિતની પ્રોડક્ટસ ઉપર સેસ પણ લાગુ છે.