સુરતઃ વરાછા ખાતે હીરાના કારખાનામાં 3 મહિના પહેલા જ નોકરીએ જોડાયેલો કારીગર માલિકની વ્યસ્તતાનો લાભ લઈને 15.06 લાખના હીરા ચોરી કરી નાસી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા રિવરરત્ન હાઈટ્સ ફ્લેટ નં.સી/1302 માં રહેતા 51 વર્ષીય નરસિંહભાઇ ધરમશીભાઇ જાસોલીયા મૂળ ભાવનગરના શિહોરના આંબલા ગામના વતની છે. તેઓ વરાછા સવાણી રોડ હીરા પન્ના કોમ્પ્લેક્ષના બીજા માળે 212 નંબરની દુકાનમાં ભાગીદારીમાં અસીત જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે.
તેમના કારખાનામાં ત્રણ મહિના પહેલા જ રાજુ લક્ષ્મણભાઇ ભીલાવાડા ( ઉ.વ.23, રહે.ઘર નં.165, રણજીતનગર, સપના સોસાયટીની બાજુમાં, મારૂતીચોક પાસે, વરાછા, સુરત ) નોકરીએ જોડાયો હતો. આ સિવાય તેમને ત્યાં બીજા નવ કારીગરો કામ કરે છે. રાજુ સરીન મશીન પર કામ કરતો હતો. કારખાનાની ચાવી રાજુ પાસે રહેતી હતી.
ગત 16 એપ્રિલના રોજ નરસિંહભાઈએ 15.06 લાખના રફ હીરા ઓફિસમાં ટેબલના ખાનામાં મુક્યા હતા. ત્યારપછી નરસિંહભાઈ પાંચ દિવસ હોસ્પિટલના કામમાં વ્યસ્ત હતા. હોસ્પિટલના કામથી સમય મળતા તેઓએ ગત પાંચમીના રોજ ટેબલનું ખાનું ખોલ્યું તો તેમાંથી હીરા ગાયબ હતા.
તેમને સીસીટીવી ચેક કરતા ગત તા. 18 એપ્રિલે રાત્રે 9.15 થી 9.45 દરમિયાન કારીગર રાજુ ખાતાની ચાવીથી કારખાનું ખોલી ઓફિસના ટેબલમાંથી હીરા ચોરી જતો નજરે ચઢ્યો હતો. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.