સુરત (Surat): દેશમાં 16 જાન્યુઆરીએ શરૂ થયેલા રસીકરણ (Vaccination Drive in India) કાર્યક્રમમાં પહેલા તબક્કામાં કોરોનાના ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સ- તબીબો અને તબીબી સ્ટાફના 3 કરોડ લોકોને કોરોના રસી મૂકાશે. જણાવી દઇએ કે ભારતમાં દેશનો સૌથી મોટો કોરોના (Covid-19) રસીકરણ કાર્યક્રમ શરૂ થયો છે. કારણ આ પહેલા કોઇપણ દેશમાં આટલા મોટા પાયે કોરોના રસીકરણ ઝુંબેશ શરૂ થઇ નથી. દેશમાં હાલમાં જે રસીઓને વપરાશની મંજૂરી મળી છે એ છે કોવિશિલ્ડ (CoviShield, SII) અને કોવેક્સિન (Covaxin, Bharat Biotech). જણાવી દઇએ કે આ રસીઓ (Corona Vaccine) માટે ઘણા દેશ ભારત પર આધાર રાખી રહ્યા છે. ભારતમાં બનેલી આ બે રસીઓ વિશ્વના અન્ય દેશોમાં મળતી રસીઓની સરખામણીમાં સ્સતી છે, સાથે જ આ રસીઓ અસરકારક અને સુરક્ષિત પણ છે.
સુરત જિલ્લામાં શરૂ થયેલા કોરોના વેક્સિનેશન નવા રાઉન્ડમાં ગુરૂવારે 1388 લોકો સામે 1413 લોકો વેક્સિન મુકાવી ગયા છે. સુરત જિલ્લામાં રસીકરણ ઝૂંબેશનો સફળતા રેશિયો 102 ટકા નોંધાયો છે. સુરત જિલ્લામાં શરૂ થયેલા કોરોના રસીકરણ પ્રોગ્રામને સજજડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. સુરત જિલ્લામાં ખાનગી અને સરકારી મેડિકલ તેમજ પેરા મેડિકલ સ્ટાફ જે રીતે રસીકરણ માટે ઉમટી પડ્યાં છે તે જોતાં આરોગ્ય વિભાગને પણ રાહત થઇ છે.
જિલ્લા આરોગ્ય વિભાગે જે માહિતી આપી છે તે જોતાં બારડોલીમાં 145 લોકો સામે 210, કામરેજમાં 180 લોકો સામે 251 અને માંગરોલમાં 156ને બદલે 170 આરોગ્ય કર્મચારીઓ વેક્સિન મુકાવી ગયા છે. જયારે ઓલપાડમાં સહિત કેટલાંક તાલુકાઓમાં ગેરહાજરી પણ જોવા મળી છે. ઓલપાડમાં આજે 204 સામે 185, મહુવામાં 72 સામે 70, માંડવીમાં 97 સામે 89, ચોર્યાસી તાલુકામાં 318 સામે 259 અને ઉમરપાડામાં 70 સામે 42 તેમજ પલસાણામાં 146 સામે 137 લોકો વેક્સિન મુકાવી ગયા છે.
સુરતમાં કોરોના વોરિયર્સનો રસીકરણ માટેનો આ પ્રતિસાદ ખરેખર પ્રસંશનીય છે. જો કે હજી પણ દેશમાં ઘણા લોકોના મનમાં કોરોના રસીની સુરક્ષાને લઇને ઘણા બધા પ્રશ્નો અને મુંઝવણો છે. બીજી બાજુ દેશના ટોચના તબીબો અને કોરોના ફ્રન્ટલાઇન વર્કર્સ કે જે કોરોના રસી લઇ રહ્યા છે. તેઓ લોકોને સતત અપીલ કરી રહ્યા છે કે આ કોરોના રસીઓ સુરક્ષિત છે. અને તેની કોઇ આડઅસર નથી. જણાવી દઇએ કે કેન્દ્રએ 30 કરોડ એવા લોકોનો ડેટા નોંધી રાખ્યો છે, જેમને પ્રાથમિક ધોરણે કોરોના રસી અપાવી જોઇએ. જેમાંના 3 કરોડ લોકોને રસી આપવાનો પ્રથમ તબક્કો દેશભરમાં ચાલી રહ્યો છે.
સુરત જિલ્લામાં કોરોનાના નવા સાત કેસ પોઝિટિવ
સુરત જિલ્લામાં કોરોનાના આંકડા આજથી સિંગલ ડિજિટમાં આવી ગયા છે જિલ્લા આરોગ્ય વિભાગે આપેલી આંકડાઓ જોતા વિતેલા ચોવીસ કલાકમાં કોરોનાના 7 જ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ચોર્યાસી તાલુકામાં 2, કામરેજમાં 3, પલસાણામાં 1 અને બારડોલીમાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે.