ગાંધીનગર: ગુજરાત પર સક્રિય થયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ છેલ્લા બે દિવસ દરમિયાન થયેલા કમોસમી વરાસના પગલે રાજયમાં 14 વ્યક્તિના મોત થયા છે, જયારે છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં 168 તાલુકાઓમાં વરસાદ થયો છે.
ગાંધીનગરમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે છેલ્લા બે દિવસની અંદર રાજયમાં આંધી તોફાન સાથે માવઠાના પગલે 14 લોકોનું મૃત્યુ થયું છે. જેમાં અમદાવાદમાં 2, અરવલ્લીમાં 2, આણંદમાં 1, ખેડામાં 4, દાહોદમાં 2 અને વડોદરામાં 3 લોકોના મોત થયા છે. સૂત્રોએ કહ્યું હતું કે વીજળી પડવાથી, દિવાલ પડવાથી, ઝાડ પડવાથી, હોર્ડિંગ્સ પડવાથી, કરંટ લાગવાથી અને છત પડવાથી આ મૃત્યુ થયા છે.
સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજયના વિવિધ ભાગોમાં 168 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં કપડવંજમાં દોઢ ઈંચ, માણસામાં સવા પાંચ ઈંચ, શિહોરમાં સવા ઈંચ, જોટાણામાં 1.22 ઈંચ, વડોદરામાં 1.18 ઈંચ, મહેસાણામાં 1.10 ઈંચ, કડીમાં 1.06 ઈંચ, તાપીના ડોલવણમાં 1.02 ઈંચ જેટલો વરસાદ થયો છે.
આગાહી હોવા છતાં સરકારી તંત્રએ આગોતરી સાવચેતી ન રાખીને ૧૪ લોકોના જીવ ગયાનો કોગ્રેંસનો આક્ષેપ
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાવાઝોડું આવી રહ્યું છે. કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ પણ થઇ છે, માલ મિલકતને નુકસાન પણ થયું છે અને ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન નોધાયું છે. ઘણા દિવસોથી આગોતરી આગાહી હતી કે વરસાદ પડશે, પૂરજોશથી પવન ફૂંકાશે, વાવાઝોડું આવશે. સરકારે ખાલી હવામાન વિભાગે કરેલી આગાહી દ્વારા સંતોષ માન્યો પણ જે સરકારી તંત્ર દ્વારા જે આગોતરી તૈયારી થવી જોઈએ, તે કરી નહીં, પરિણામે વાવઝોડા– કમોસમી વરસાદને કારણે ૧૪ જેટલા લોકોનાં મોત થયા છે. આ વાવઝોડા– કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ખૂબ વ્યાપક નુકસાન થયું છે, ત્યારે સરકાર તાત્કાલિક સરવે કરાવીને રાહત પેકેજ જાહેર કરવું જોઈએ તેવું, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.
અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, બાજરી, જુવાર, મકાઈ, મગ કે અન્ય જે ઉનાળુ પાકો ખેતરમાં તૈયાર હતા એને પણ વ્યાપક નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં એપી.એમ.સીઓમાં જે ખેડૂતો પોતાનો તૈયાર માલ વેચવા માટે આવ્યા અને ત્યાં જે ઢગલા કર્યા હતા ત્યાં પણ વરસાદને કારણે તૈયાર પાક પણ પલળી ગયો અને ખૂબ મોટું નુકસાન થયું છે. કેરી સહિત મોટા પ્રમાણમાં બાગાયતી પાકોને નુકસાન થયું છે. જામફળ અને અન્ય પાકોના પણ જે ફૂલ બેસવાનો સમય હતો એમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે. તમામ વિસ્તારોમાં ખેતીના નુકસાનીનો સરવે કરાવી અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરીએ છીએ. અનેક જગ્યાએ માલ મિલકતોને પણ નુકસાન થયું છે તો એનો પણ સરવે કરી જે લોકોને માલ મિલકતનું નુકસાન થયું છે એને પણ સહાય માટેની વ્યવસ્થા સરકાર કરે તેવી માંગણી કરીએ છીએ.