સુરત(Surat) : શહેરના સિટીલાઇટ ખાતે રહેતા એડવોકેટના (Advocate) પુત્ર યુએસએની (USA) યુનિવર્સીટીમાં (University) અભ્યાસ (Education) કરે છે. યુએસએની યુનિવર્સિટીમાં સાયબર સિક્યુરીટીનો (Cyber Security) કોર્ષ (Course) કરતા તેના પુત્રની ફીના રૂપિયા 14 લાખ આઈસ ટ્રાન્સફર નામની કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે આ કંપનીએ ફીના પૈસા યુનિવર્સિટીમાં જમા નહી કરાવી છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
- યુનિવર્સિટીમાં ભારતીય સ્ટુડન્ટ્સ એસોસિએશન વોટ્સએપ ગ્રુપમાં ઈન્ડિયન મની ટ્રાન્સફર કરતી કંપનીની માહિતી આપી હતી
અલથાણ ખાતે શિવશક્તિ ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા 55 વર્ષીય ભગીરથ નારણભાઈ પટેલના પુત્ર વિશ્વનું ધી યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એડ ડલાસ યુએસએમાં સાયબર સિક્યુરીટી કોર્ષમાં માસ્ટર ડિગ્રી લેવા માટે એડમીશન લીધું છે.
યુનિવર્સિટીમાં ભારતીય સ્ટુડન્ટ્સ એસોસીએશન વોટ્સએપ ગ્રુપમાં ગત 10 જુલાઈએ એક ઓનલાઈન વેબીના૨ કરવામાં આવ્યું હતું. જેમાં એક ઈન્ડિયન મની ટ્રાન્સફર કરતી કંપની આઈસ ટ્રાન્સફર કંપનીની જાહેરાત અને માહિતી આપી હતી. ભગીરથભાઈએ તેના પુત્રને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેન્કમાંથી લોન લઈ આ કંપનીની વેબસાઈટ ઉપર તેના પુત્રના નામનું લોગીન આઈડી બનાવી તેના દ્વારા ગત 21 જુલાઈએ 14.06 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ કંપનીએ ફીની રકમ યુએસએની યુનિવર્સિટીમાં જમા નહી કરાવી છેતરપિંડી કરી હતી.
યુકેમાં એન્ડબર્ગ યુનિવર્સિટીમાં પુત્રની ફીમાં 30 ટકા ડિસ્કાઉન્ટ અપાવવાના બહાને મિત્રએ ઠગાઈ કરી
સુરત: ધાસ્તીપુરા ખાતે રહેતા અને લોખાત હોસ્પિટલના કર્મચારીના વિદેશમાં અભ્યાસ કરતા પુત્રની ફી ભરવા માટે ડિસ્કાઉન્ટની લાલચમાં આવીને મિત્રને 6 લાખ આપ્યા હતા. મિત્રએ અન્ય આરોપીઓ સાથે મળીને આ રૂપિયા વાપરી નાંખી યુનિવર્સિટીમાં ફી જમા નહીં કરાવી છેતરપિંડી કરી હતી.
- લોખાત હોસ્પિટલમાં એક્સ-રે ટેક્નિશિયન સાથે 6 લાખની છેતરપિંડી
- પોલીસે 4 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી
વરીયાળી બજાર ધાસ્તીપુરામાં સાનિયા ફ્લેટ્સમાં રહેતા 46 વર્ષીય ઉમ્મીદઅલી છોટેમીયા શેખ લોખાત સાર્વજનિક હોસ્પીટલમાં એક્સરે ટેકનેશિયન તરીકે નોકરી કરે છે. 6 મહિના પહેલા તેમના મિત્રએ તેઓને કહ્યું હતું કે, એક સંસ્થા વિદેશ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફીના 30થી 35 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. આથી તેઓએ મિત્રના ભરોસે કાર્યવાહી કરી હતી.
તેમનો દિકરો વર્ષ 2022માં આત્માનંદ સરસ્વતી કોલેજ, વરાછા ખાતે બીએસસી પાસ કરી ત્યારબાદ એડીનબર્ગ યુનિવર્સિટીમાં યુકે સ્કોટલેન્ડ ખાતે અભ્યાસ કરવા ગયો છે. જેની વાર્ષિક ફી 16 લાખ છે. પહેલા સેમેસ્ટરની ફી 8 લાખ તેમના ખાતામાંથી યુ.કે સ્થિત યુનિર્વસિટીમાં ચુકવી દીધી હતી.
બીજા સેમેસ્ટરની 7.54 લાખ ફી ભરવાની આવી ત્યારે વ્યવસ્થા ન હોવાથી તેમના મિત્રને વાત કરી મિત્ર ઇરફાનને રોકડા રૂપિયા 5.10 લાખ આપ્યા હતા. અને બાકીના 90 હજાર તેમના પેટીએમમાંથી આરોપી સુનિલ નારાયણભાઇ ઇયાવન (રહે.ઘ.નં.૩૬, જિલ્લા પંચાયત સોસાયટી, નવી ઝોન ઓફિસની પાછળ, તાડવાડી રાંદેર) ને એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ઇરફાને આ 5.10 લાખ તેના ઓળખીતા ઉમંગ સુરેશભાઇ ચૌહાણ (રહે. ૮૧, હરીનગર-૦૧ ઉધના) ને આપ્યા હતા.
બાદમાં આરોપી મનિષે ફોન કરીને તેમના રૂપિયા મળી ગયા હોવાનું અને સંસ્થા દ્વારા 30 ટકા ડિસ્કાઉન્ટ મળી જશે તેમ કહ્યું હતું. બાદમાં આ પૈસા યુનિવર્સિટીમાં જમા નહી કર્યા હતા. મનિષે છોકરાની ફી ભરાઈ ગયાનું કહીને ગોળ ગોળ વાતો કરીને તમે ચિંતા ન કરતા અમુક ડોક્યુમેન્ટ બેંકમાં સબમીટ કરાવવાના બાકી છે તે સબમીટ થયા બાદ બધુ ક્લીયર થઇ જશે તેમ કહ્યું હતું. બાદમાં યુનિવસિટીમાં ખરાઈ કરતા ફી ભરાઈ નહોતી. અંતે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.