National

નીતિશ સરકારનું મોટું પગલું: બિહારમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ મામલે 14 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા

બિહારમાં (Bihar) છેલ્લા એક સપ્તાહમાં પુલ તૂટી પડવાની શ્રેણીબદ્ધ ઘટનાઓમાં નીતિશ સરકારે (Government) કડક પગલાં લીધા છે અને 14 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. ગુરુવારે સારણમાં પુલ ધરાશાયી થયાના એક દિવસ બાદ સસ્પેન્શન કરવામાં આવ્યું છે. હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બિહારના તમામ નિર્માણાધીન અને જૂના પુલોનો બે અઠવાડિયામાં નિરીક્ષણ રિપોર્ટ માંગ્યો છે.

14 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એક તપાસ પેનલે તેનો અહેવાલ જળ સંસાધન વિભાગ (WRD)ને સુપરત કર્યા બાદ લેવામાં આવ્યો હતો. WRDના અધિક મુખ્ય સચિવ ચૈતન્ય પ્રસાદે પત્રકારોને જણાવ્યું હતું કે એન્જિનિયરો બેદરકારી દાખવતા હતા અને મોનિટરિંગ બિનઅસરકારક હતું. રાજ્યમાં નાના પુલ અને ઓવરપાસ તૂટી પડવાનું આ મુખ્ય કારણ છે.

ચૈતન્ય પ્રસાદે કહ્યું કે સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમાં ત્રણ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 17 દિવસમાં સિવાન, સારણ, મધુબની, અરરિયા, પૂર્વ ચંપારણ અને કિશનગંજ જિલ્લામાં કુલ 10 પુલ ધરાશાયી થયા છે.

બિહારમાં વારંવાર પુલ તૂટી જવાના મુદ્દે રાજ્યમાં રાજકીય તોફાન સર્જાયું છે. જ્યાં તેજસ્વી યાદવ આ માટે એનડીએ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે ત્યારે બિહાર સરકારના મંત્રી અશોક કુમાર ચૌધરીએ તેજસ્વી પર જ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે તત્કાલીન ડેપ્યુટી સીએમ તેજસ્વી પ્રસાદ યાદવ સારી પુલ જાળવણી નીતિ લાગુ ન કરવા માટે જવાબદાર હતા.

Most Popular

To Top