Vadodara

14 નવેમ્બરથી ગાજરાવાડીનો મુખ્ય માર્ગ બ્લોક! ‘ઓપન એક્સેવેશન’થી ડ્રેનેજ નંખાશે,

પાલિકાનું સૂચન: અવરજવર માટે સુએજ પંપીંગ તરફના ટ્રેકનો તેમજ પ્રતાપનગર ડભોઇ રોડનો ઉપયોગ કરવો

વડોદરા:; શહેરના દક્ષિણ ઝોન વોર્ડ નંબર-16ના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા અને અવરજવર કરતા લોકો માટે એક અગત્યના સમાચાર છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 14, નવેમ્બર, 2025 થી ગાજરાવાડી ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધી ડ્રેનેજ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી માટે 100 મીટરની લંબાઈમાં ઓપન એક્સેવેશન પદ્ધતિનો ઉપયોગ થવાનો હોવાથી, આ રસ્તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ વધારવાના ભાગરૂપે આ ડ્રેનેજ નાખવાની કામગીરી અતિ આવશ્યક છે. જોકે, આના કારણે થોડા સમય માટે ટ્રાફિક અને અવરજવરને અસર પહોંચશે.
પાલિકા તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ અગત્યની કામગીરી દરમિયાન સહકાર આપે અને જાહેર કરેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને પોતાની મુસાફરીનું આયોજન કરે. રસ્તો બંધ થવાની ચોક્કસ સમયમર્યાદા જણાવવામાં આવી નથી, પરંતુ કામ પૂર્ણ થતાની સાથે જ રસ્તો પુનઃ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.

વૈકલ્પિક વ્યવસ્થા અને સૂચનો:
*પ્રાથમિક વૈકલ્પિક માર્ગ: વાહનચાલકોએ બંધ રસ્તાના વિકલ્પ તરીકે ગાજરાવાડી પાણીની ટાંકીથી સુએજ પંપીંગ સ્ટેશન તરફના ટ્રેકનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો.
*અન્ય વૈકલ્પિક માર્ગો: આ ઉપરાંત, જરૂરિયાત મુજબ પ્રતાપ નગર ડભોઇ રોડ તેમજ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે પણ પાલિકા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top