SURAT

સુરતના બંગલા પર પડેલું મેટ્રોનું 135 ટનનું લોન્ચર 20 દિવસે હટાવાયું, ક્રેઈન હજુ જેમની તેમ

સુરતઃ ત્રણ અઠવાડિયા પહેલાં સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક બંગ્લા પર મેટ્રોની ક્રેઈન અને 135 ટનનું લોન્ચર મશીન પડ્યું હતું. આ ઘટનાના 20 દિવસ વીતી ગયા બાદ આજે મેટ્રો પ્રોજેક્ટના કર્મચારીઓએ 135 ટનનું લોન્ચર મશીન હટાવ્યું છે. મશીનને ખસેડી લાકડાના ટેકા પર ઉભું કરાયું છે. જોકે, હજુ પણ મેટ્રોની ક્રેઈન જેમની તેમ છે. તેને હજુ બંગલા પરથી ખસેડવામાં આવી નથી. તેના લીધે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આજે 20 દિવસ બાદ બે હેવી ક્રેઈનથી 135 ટનનું લોન્ચર મશીનને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. લોન્ચર મશીન હટાવતા પહેલાં પુજા કરવામાં આવી હતી. બંગલા પર પડેલી ક્રેઈનને હટાવતા પહેલાં આ લોન્ચર મશીનને ખસેડવાની કામગીરી કરાઈ છે. આ કામગીરીમાં 50 જેટલાં કર્મચારીઓ જોડાયા હતા. લોન્ચર મશીન જ્યારે ઊંચું કરાયું ત્યારે લોખંડનો એટલો મોટો અવાજ આવ્યો હતો કે આખો વિસ્તાર તે અવાજથી ગુંજી ઉઠ્યો હતો.

દરમિયાન લોન્ચર ખસેડવાની કામગીરી પહેલાં મેટ્રોના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ચકમક ઝરી હતી. મેટ્રોના કર્મચારીઓ દાદાગીરી કરતા હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી હતી. મેટ્રોના કર્મચારીઓએ પાંચ બાઉન્સર ગોઠવી રસ્તો બંધ કરી દીધો હતો. બાઉન્સરો સ્થાનિકોને અંદર પ્રવેશવા દેતા ન હતા. લગભગ સાડા ત્રણ કલાક સુધી લોકોને બાનમાં લેવામાં આવ્યા હતા. લોન્ચર હટાવાયા બાદ લોકોને અવરજવર કરવા દેવાઈ હતી.

દરમિયાન સ્થાનિકોએ એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે લોન્ચર તો હટાવી દીધું પરંતુ બંગલા પર પડેલી ક્રેઈન ક્યારે ઉતારવામાં આવશે. આ મામલે ગુજરાત મેટ્રો રેલ દ્વારા કોઈ ફોડ પાડવામાં આવી રહ્યો નથી.

નોંધનીય છે કે પાંચ દિવસ પહેલાં જ બંગલાના માલિકે લોન્ચર મશીન હટાવવા પરમિશન આપી હતી. મંજૂરી મળ્યાના પાંચ દિવસે લોન્ચર હટાવાયું છે. હજુ ક્રેઈન હટાવાઈ નથી. તેથી લોકોમાં રોષ છે. સોસાયટીના લોકો છેલ્લા 20 દિવસથી સોસાયટીની અંદર-બહાર જવા અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

શું બની હતી ઘટના?
ગઈ તા. 22 ઓગસ્ટ 2024ની સાંજે નાના વરાછા વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટના એલિવેટેડ બ્રિજ પર ગર્ડર લોન્ચર ચડાવતી વખતે બે ક્રેઈન તુટી ગઈ હતી. એક ક્રેઈન અને ગર્ડર લોન્ચરનો હિસ્સો રસ્તાની સાઈડ પર યમુના નગર સોસાયટીના એક બંગલા પર પડ્યો હતો. આ ઘટનામાં બંગલાને મોટું નુકસાન થયું હતું. સદ્દનસીબે તે સમયે બંગલો બંધ હોવાના લીધે કોઈને ઈજા થઈ નહોતી.

Most Popular

To Top