તાપી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા વિવિધ ધર્મગુરુઓ, ગામના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રસીકરણને વેગવંતુ બનાવવા તેમજ કોરોના અને રસીકરણ સંદર્ભે પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોને પોતાના ગામોમાં એક ટીમ બનાવી ગામવાસીઓને જાગૃત કરવા અપીલ કરી હતી. કેટલીક ગેરમાન્યતાઓના પગલે કોરોના પ્રતિરોધક રસી લેવામાં એટલો ઉત્સાહ ગ્રામજનોમાં જોવા
મળ્યો નથી. આવી પરિસ્થિતી તાપી જિલ્લા માટે નુકસાનકારક છે. કોરોનાની ત્રીજી લહેર ટાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને ગામના આગેવાનોએ સાથે મળી સમાજને સુરક્ષિત બનાવવા ભાર મુકાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતુ કે, ધર્મગુરૂઓ સમાજમાં અને લોકોમાં એક ઉચ્ચ કોટીનું સ્થાન ધરાવતા લોકો તેઓની દરેક વાતોને માની લેતા હોય છે. જેથી આપણે સૌથી પહેલા પોતે કોરોનાની રસી મુકાવી સમાજ માટે ઉદાહરણરૂપ બનવું જોઇએ. અને દરેકને રસી મુકાવવા પ્રેરિત કરવા જોઇએ.