
ટીવીમાં બાળ કલાકાર તરીકે દેખાતી સારા અર્જુન થિયેટરમાં દેખાતી થઇ તે સફર બધા માટે ચર્ચાનો વિષય બની હતી. પોતાનાંથી મોટી ઉંમરના સ્ટાર સામે કાસ્ટ થઇ તે માટે જ્યારે લોકોએ ફિલ્મ પણ નહોતી જોઈ ત્યારે ઘણો વિરોધ કર્યો હતો. પણ ધુરંધરની સક્સેસ અને સારાની ઍક્ટિંગે આ તમામના મોઢા બંધ કરી દીધા હતા. આ ફિલ્મમાં રણવીરની હિરોઇન તરીકે તેનાથી 20 વર્ષ નાની સારા વચ્ચે આટલો બધો વયનો તફાવત હોવા છતાં ફિલ્મની વાર્તા પ્રમાણે તેમની જોડી સારી લાગે છે. આ ફિલ્મનું કાસ્ટિંગ બહુ સમજી વિચારીને કરવામાં આવ્યું છે. એના કારણે કાસ્ટિંગ-ડિરેક્ટરની ખાસ પ્રશંસા થઈ રહી છે.
સારા અર્જુને બહુ નાની ઉંમરે કેમેરા સામે કામ ચાલુ કર્યુ છે. એમ તો બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે સફળતા મેળવનાર ઘણા નામો સમય જતાં ગાયબ થઈ જાય છે. પરંતુ સારા એમ ગાયબ થાય તેમ લાગતું નથી. “ધુરંધર” એક એવી ફિલ્મ છે જેમાં સ્ટાર કાસ્ટની ભરમાર હતી. પ્રોડક્શન ટીમને એવી એક્ટ્રેસ જોઈતી હતી જે નાજુક, ઈમોશનલ અને સ્ટ્રોંગ એકસાથે લાગી શકે. આની શોધમાં સારાનો નંબર લાગ્યો. કઈ રીતે? તે વાત ફિલ્મના કાસ્ટિંગ-ડિરેક્ટર મુકેશ છાબડાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ‘મેં અને આદિત્યએ કાસ્ટ ફાઇનલ કરવા માટે લગભગ દોઢ વર્ષનો સમય લીધો. શરૂઆતમાં તેમણે એવા કલાકારો પર વિચાર કર્યો જેમણે OTT પ્લૅટફૉર્મ પર પોતાના કામથી મજબૂત છાપ છોડી હતી. દરેક કાસ્ટિંગ સાથે અમે ઘણો સમય એ વિચારવામાં વિતાવ્યો કે અર્જુન, માધવન, સંજુ બાબા કે અક્ષય રોલ માટે યોગ્ય રહેશે કે નહીં. દરરોજ હું અને આદિત્ય બેથી ચાર કલાક બેઠા રહીને નામો પર ચર્ચા કરતા, વાદવિવાદ કરતા અને વાતચીત કરતા. રણવીર પહેલેથી જ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો હતો. ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ માટે 1300 યુવતીઓનાં ઑડિશન લેવાયાં હતાં અને એમાંથી આખરે સારા અર્જુનની પસંદગી કરવામાં આવી હતી.’ સિલેક્શન દરમ્યાન સારાએ ઓડિશનમાં લાંબી વર્કશોપ કરી, કેરેક્ટરના સાઈકોલોજિકલ લેયર્સ પર કામ કર્યું, એક્શન અને ઇમોશન બન્ને માટે તૈયારી બતાવી અને આમ 19 વર્ષની સારા 1300 લોકોમાં બાજી મારી ગઈ. •