આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં રથયાત્રાનો માહોલ બે દિવસ જોવા મળશે. આ બે દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાંથી કુલ 13 સ્થળેથી રથયાત્રા નિકળશે. જેમાં સંવેદનશીલ ગણાતાં આણંદ, પેટલાદ, ખંભાત અને બોરસદમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જ્યારે મહત્વના પોઇન્ટ પર આગલા દિવસથી જ પોલીસની અવર જવર રહી હતી. બીજી તરફ ફુટ પેટ્રોલીંગ, અટકાયતી પગલાં સહિતની કામગીરી પોલીસે શરૂ કરી દીધી હતી.
વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા 20મીને મંગળવારના રોજ અષાઢી-2 નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 2-30 કલાકે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી નિકળી ગુરૂદ્વારા સર્કલ, સર્કિટ હાઉસ, સરદારગંજની પાછળનો રોડ, લેક વ્યૂ, લોટિયા ભાગોળ, વ્યાયામશાળા રોડ, ટાઉનહોલ, આણંદ – વિદ્યાનગર રોડ થઇ મોટા બજારથી વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સમાપન થશે. આ રથયાત્રા નિમિત્તે 75 હજાર પ્રસાદીના પેકેટ્સ, 11 હજાર ભક્તો માટે શાસ્ત્રી મેદાન ખાતે ભોજન પ્રસાદીની પણ વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ રથયાત્રાનું છેલ્લા 18 વર્ષથી ઇસ્કોન મંદિર, વિદ્યાનગર દ્વારા આયોજન થઇ રહ્યું છે. જેમાં દેશ – વિદેશથી ભક્તો પધારશે. આ રથયાત્રામાં મધુર હરિનામ સંકિર્તન, ભાવમય નૃત્ય, પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત બુધવારના રોજ આણંદના રણછોડરાયજી મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા બપોરના 3 કલાકે રણછોડજી મંદિરથી નિકળી, આઝાદ મેદાન, વહેરાઇ માતા, બેઠક મંદિર, આઈસ ફેક્ટરી, લક્ષ્મી ચાર રસ્તા, મેફેર ચાર રસ્તા, ગોપાલ ચાર રસ્તા, ડી.એન. હાઈસ્કૂલ, સ્ટેશન રોડ, આણંદ નગરપાલિકા, નવા રામજી મંદિર, ગામડી વડ ચાર રસ્તા, ટાવર બજાર, અશોકસ્તંભ, કાબ્રેશ્વર મહાદેવ, માનીયાની ખાડ, અંબાજી મિંદર થઇ પરત રણછોડજી મંદિર ખાતે સમાપન થશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. આણંદ જિલ્લામાં મંગળવારના રોજ આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ, ભાદરણ, વિરસદ, આંકલાવ, ઓડ, નાપાડ તળપદ, બોરિયાવી, કાવિઠા ખાતે રથયાત્રા નિકળશે. જ્યારે બુધવારના રોજ આણંદ, ખંભાત, બોરસદ અને ભાદરણ ખાતેથી રથયાત્રા નિકળશે.
આણંદ જિલ્લામાં રથયાત્રાને લઇ લોખંડી બંદોબસ્ત ગોઠવાશે
આણંદ જિલ્લામાં બે દિવસ દરમિયાન કુલ 13 રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં પેટલાદ ખાતે રેન્જ આઈજી પેટલાદ ખાતે કેમ્પ રાખશે. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા, પ્રોબેશનલ આઈપીએસ, 6 નાયબ પોલીસ અધિક્ષક, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 75 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 750 પોલીસ જવાન, 91 મહિલા પોલીસ, એક કંપની સીઆઈએસએફ, એક કંપની એસઆરપી, એક હજાર હોમગાર્ડ્ઝ જવાન, ખડે પગે રહેશે. આ ઉપરાંત 40 વિડીયો ગ્રાફર, 166 જવાન બોડી કેમેરા સાથે રથયાત્રામાં તોફાની તત્વો પર નજર રાખશે.