નવી દિલ્હી: હાલના દિવસોમાં રાજધાની સહિત દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીએ (Heat) તબાહી મચાવી છે. ત્યારે દિલ્હીમાં (Delhi) ગરમી જીવલેણ બની રહી છે. લોકો હીટ સ્ટ્રોકનો (Heat stroke) ભોગ બની રહ્યા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં તીવ્ર ગરમીના કારણે 13 લોકોના મોત થયા છે અને 33 દર્દીઓને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં બુધવારે રાત્રે હળવો વરસાદ અને સવારે આકાશમાં વાદળો હોવાને કારણે હીટ વેવથી થોડી રાહત મળી હતી, પરંતુ આ રાહત છતા ભીષણ ગરમીએ દિલ્હીના લોકોમાં હાહાકાર મચાવ્યો હતો. સ્થિતિ એવી વણસી હતી કે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં 24 કલાકમાં ગરમીના કારણે 13 લોકોના મોત થયા હતા, જે આ હોસ્પિટલમાં એક દિવસમાં મૃત્યુ પામનાર વ્યક્તિમાં સૌથી વધુ છે. ત્યારે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 11 થી 19 જૂન દરમિયાન દિલ્હીમાં 192 બેઘર લોકો ગરમીના કારણે મૃત્યુ પામ્યા હતા.
આ સાથે જ છેલ્લા એક મહિનામાં સફરદરજંગ હોસ્પિટલમાં હીટ વેવને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 19 થઈ હતી. સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં હીટ સ્ટ્રોકના કારણે 33 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો છે. આ સાથે હીટ સ્ટ્રોકથી પીડિત લોકોને મોટી સંખ્યામાં આરએમએલ સહિત અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય ટીમે હોસ્પિટલોની ઇમરજન્સીની તપાસ કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે નિરીક્ષણ કર્યું
દિલ્હીમાં હીટ સ્ટ્રોકના કહેરના કારણે ગુરુવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ એઈમ્સ, સફદરજંગ, આરએમએલ અને લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજ હોસ્પિટલની ઈમરજન્સીમાં પહોંચી હતી. તેમજ કેન્દ્રીય ટીમે ઈમરજન્સી હોસ્પિટલોમાં તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને હીટ વેવથી પીડાતા દર્દીઓ અને મૃતકોની માહિતી લીધી હતી.
દિલ્હીમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો
જણાવી દઇયે કે દિલ્હીમાં લઘુત્તમ તાપમાને 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. સફદરજંગ કેન્દ્રના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 જૂનની રાત્રે લઘુત્તમ પારો 35.2 ડિગ્રી નોંધાયો હતો, જે સામાન્ય કરતાં 8 ડિગ્રી વધુ છે, જે 1969 પછી સૌથી વધુ છે. 23 મે, 1972ના રોજ લઘુત્તમ તાપમાન 34.9 ડિગ્રી હતું.
23 જૂનથી તાપમાન ફરી વધશે, હીટ વેવ ચાલુ રહેશે, યલો એલર્ટ
દિલ્હીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની સંભાવના છે. તેમજ 23મી જૂનથી ફરી એકવાર તાપમાન વધશે અને ફરીથી હીટ વેવની સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે. આ માટે વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ 23 થી 25 જૂન સુધી તાપમાન 45 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી રહેવાની સંભાવના છે.