તિલકવાડાના માંગુ ગામે રહેતા 70 વર્ષના ખેડૂત શના નાના બારિયા પાસેથી ગામના એક શખ્સે તેના સંબંધીને રૂપિયા અપાવ્યા હતા. કોરોનામાં ધંધો ઠપ્પ રહેતાં રૂપિયા પરત ના મળતાં વૃદ્ધે જે શખ્સે રૂપિયા અપાવ્યા હતા તેની સાથે ઝઘડો કર્યો હતો. એ ઝઘડાની રીસ અને વારંવાર ઉઘરાણીને લઈ ગતરોજ ખેતરમાં કામ કરતાં એ વૃદ્ધને 4 શખ્સે મળી પાવડા વડે માથાના ભાગે ઘા મારી હત્યા કરી હતી. આ હત્યાને અકસ્માતમાં ખપાવવા વૃદ્ધની એક્ટિવા સાથે પહાડ ગામના નજીક રોડ પર પુલ પાસે ફેંકી નાસી ગયા હતા.
પોલીસે આ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં શોધી કાઢી 4 હત્યારાની ધરપકડ કરી લીધી છે. ગત તા.8 જુલાઈ 2021ના રોજ રાત્રે શનાભાઈનો મૃતદેહ માથાના ભાગે ગંભીર ઈજા, ડાબા ખભાના નીચેના ભાગે ઈજા સાથે રસ્તા પર પડેલો તિલકવાડા પોલીસને મળી આવ્યો હતો. તિલકવાડા પી.એસ.આઈ. એમ.બી.વસાવા અને સી.એમ.ગામીત દ્વારા અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. સાથે એલ.સી.બી. નર્મદાના પી.આઈ. એ.એમ.પટેલ અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી હત્યા કરનારા 4 શખ્સની ધરપકડ કરી છે. હત્યામાં વપરાયેલા પાવડા સાથે મૃતકનો મોબાઈલ, સોનાની ચેન પણ કબજે કરી 4 લોકો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.