સુરત: સુરત શહેરના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૈકીના સુરત રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ માટેની કામગીરી હાલ પ્રારંભિક તબક્કામાં છે. રેલવે સ્ટેશન સહિત એસટી બસ, મેટ્રો અને બીઆરટીએસ સહિતના માસ ટ્રાન્સપોર્ટેશનને એકીકૃત કરવા માટે હાથ ધરાયેલા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે જરૂરી જમીન સંપાદન પ્રક્રિયા હાલ પુરજોશમાં ચાલી રહી છે. તેમાં અગાઉ તો બે ટુકડે જમીન સંપાદન કરાઈ હતી. એસટી બસ પાસે આપ-લે પણ કરાઈ હતી. જો કે, હવે આ પ્રોજેક્ટ અંતર્ગત વધુ 1245 ચો.મી. જમીન સંપાદન કરવાની તૈયારી કરાઈ છે.
વરાછા ઝોનમાં આ પ્રોજેક્ટ અંતર્ગત એલિવેટેડ રોડ બનાવવાની કામગીરી માટે જુદી જુદી જગ્યાઓ મળીને કુલ 1245 ચો.મી. જમીન પર કાચાં પાકાં મકાનો, કોમર્શિયલ બાંધકામો આવેલાં છે. જે માટે મિલકતદારો સાથે વાટાઘાટો કરાઈ હતી. પરંતુ તેઓ જમીન આપવા અસંમતિ દર્શાવતાં મનપા દ્વારા આ જગ્યાનું ફરજિયાત સંપાદન કરવા માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે.
- જમીનમાલિકોએ વાટાઘાટથી જગ્યા આપવા માટે ઈન્કાર કરી દેતા હવે સુરતના નવા રેલવે સ્ટેશન માટે 1245 ચો.મી. જમીન ફરજિયાત સંપાદન કરાશે
- ઉમરવાડાની 789.38 ચો.મી., લંબેહનુમાન રોડ તરફની 170 ચો.મી. અને અશ્વિનીકુમાર તરફની 286 ચો.મી. જગ્યા માટે સ્થાયી સમિતીમાં દરખાસ્ત કરાઈ
અંદાજે 1000 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ કરવા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી કાગળ પર વાઘ ચિતરાઈ રહ્યા હતા.
જો કે, હવે આ પ્રોજેક્ટ માટે ધીમીધારે કામગીરી શરૂ થઈ ગઈ છે. રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારના રિ-ડેવલપમેન્ટ માટે એમએમટીએચ પ્રોજેક્ટ (મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ) હેઠળ રેલવેથી માંડીને એસટી બસ અને સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ એક જ સ્થળેથી મુસાફરોને મળી રહે એ માટે હાથ ધરવામાં આવેલી સંકલિત આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન મેવવાનો પ્રશ્ન સૌથી પેચીદો બન્યો છે.
દાયકાઓથી વસવાટ અને વેપાર-ધંધો કરી રહેલા નાગરિકોની મિલકતનો ભોગ લેવાય તેમ હોવાથી હવે આખરે કાયદાના જોરે આ મિલકતોની જમીન લેવાની તૈયારી કરાઈ છે.
એમએમટીએચ પ્રોજેક્ટ માટે એલિવેટેડ રોડ બનાવવાની કામગીરી માટે જરૂરી જમીનનો કબજો મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ છે. જે અંતર્ગત વરાછા ઝોનમાં આવેલી પ્રિલિમનરી ટી.પી સ્કીમ નં.8 (ઉમરવાડા)ની ફા.પ્લોટ નં.25 પૈકી (ક્ષેત્રફળ 23.91 ચો.મી.) અને ફા.પ્લોટ નં.29-1 પૈકી (ક્ષે. 765.47 ચો.મી.) મળી કુલ ક્ષેત્રફળ 789.38 ચો.મી.વાળી જમીન તેમજ લંબે હનુમાન રોડ તરફ ફાઈનલ ટીપી સ્કીમ નં.4 (અશ્વિની કુમાર-નવાગામ)માં ફા.પ્લોટ નં.266/2 અને 267 પર આવેલી રહેણાક અને કમર્શિયલ મિલકતદારોની કુલ 170 ચો.મી. જમીન તેમજ ફાઈનલ ટીપી સ્કીમ નં.4 (અશ્વિનીકુમાર-નવાગામ)માં ફા.પ્લોટ નં.273/ પૈકી 286 ચો.મી. જમીન વાટાઘાટોથી મેળવી શકાય તેમ ન હોવાથી ધી ડીપીએમસી એક્ટ-1949ની કલમ-78 અંતર્ગત ‘‘ધી રાઈટ ટુ ફેર કોમ્પન્સેશન એન્ડ ટ્રાન્સપરન્સી ઈન લેન્ડ એક્વિઝિશન, રિહેબિલિટેશન એન્ડ રિસ્ટેલમેન્ટ એક્ટ-2013’’ હેઠળ ફરજિયાત સંપાદન કરવા શાસકો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. આ અંગે આગામી સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે.
