ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયાને 22 મહિના થઈ ગયા છે. આ યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 124 લોકોના મોત થયા છે જેમાંથી 81 બાળકો છે. જુલાઈ મહિનામાં જ 40 લોકોના મોત ભૂખમરાથી થયા છે જેમાંથી 16 બાળકો છે. કુપોષણથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
ગાઝામાં રિપોર્ટિંગ કરતા પત્રકારોએ જણાવ્યું કે 50 ગ્રામ બિસ્કિટના પેકેટની કિંમત 750 રૂપિયા છે. રોકડ ઉપાડવા માટે 45% સુધી કમિશન ચૂકવવું પડે છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો મીઠું (નમક) ખાઈને પાણી પીને મેનેજ કરી રહ્યા છે. એક પત્રકારે જણાવ્યું કે 21 મહિનામાં તેમનું વજન 30 કિલો ઘટી ગયું છે. હું થાકી જાઉં છું અને ચક્કર અનુભવું છું.
દક્ષિણ ગાઝાની સૌથી મોટી નાસિર હોસ્પિટલમાં કામ કરતા એક આરોગ્ય અધિકારી કહે છે કે ગાઝામાં દરેક વ્યક્તિ ભૂખમરાના સંકટનો સામનો કરી રહી છે. કુપોષણથી મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા સતત વધી રહી છે. તેઓ કહે છે કે જ્યારે ગાઝામાં યુદ્ધ શરૂ થયું ત્યારે હવાઈ હુમલામાં ઘાયલ થયેલા સૌથી વધુ લોકો હોસ્પિટલમાં આવતા હતા પરંતુ હવે તેમની જગ્યાએ કુપોષણથી પીડાતા બાળકો આવે છે. યુએન કહે છે કે ગાઝાની વસ્તીના એક તૃતીયાંશ લોકોને દર કેટલાક દિવસોમાં એકવાર ખોરાક મળી રહ્યો છે.
હવાઈ માર્ગ દ્વારા ગાઝાને મદદ
ઇઝરાયલી સેનાએ પુષ્ટિ કરી હતી કે તેમણે હવાઈ માર્ગ દ્વારા ગાઝાને મદદ મોકલવાનું શરૂ કર્યું છે. અગાઉ ઇઝરાયલી સુરક્ષા અધિકારીએ શુક્રવારે સીએનએનને જણાવ્યું હતું કે ગાઝામાં ભૂખમરાના સંકટ પર વધતી આંતરરાષ્ટ્રીય ટીકા વચ્ચે ઇઝરાયલ વિદેશી દેશોને હવાઈ માર્ગ દ્વારા ગાઝાને મદદ મોકલવાની મંજૂરી આપશે. યુએસમાં ઇઝરાયલના રાજદૂત યેચીએલ લીટરે શનિવારે જણાવ્યું હતું કે ઇઝરાયલી સેના રવિવારથી ગાઝા માટે ‘માનવતાવાદી કોરિડોર’ ખોલશે. તેનો હેતુ ગાઝાની વસ્તી માટે માનવતાવાદી સહાય વધારવાનો છે.