વલસાડમાં ગણેશ ઉત્સવના માહોલમાં પાંચમના ગણપતિનું વિસર્જન કર્યા બાદ આજરોજ આનંદ ચૌદસે 10 દિવસ બાદ મોટા ગણપતિની 750 પ્રતિમાનું જ્યારે ધરમપુરમાં 35 મૂર્તિનું વિસર્જન કરાયું હતું. તંત્ર દ્વારા વલસાડની ઔરંગા નદીમાં ગણપતિ વિસર્જન નહીં કરવાનું જણાવાતાં કિનારા પર બનાવાયેલા કૃત્રિમ કુંડમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેને લઈ ગણેશ ભક્તો નારાજ જોવા મળ્યા હતા. કારણકે નાના ગણપતિ પાર્થિવનું વિસર્જન ઔરંગા નદીમાં કરવામાં આવ્યું હતું. જ્યારે મોટા ગણપતિનું વિસર્જન કુંડમાં કરવાનું જણાવાતા કેટલાક ગણેશભક્તો મૂર્તિ લઈને ચાલી ગયા હતા.
‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ ના નારા સાથે વલસાડના બંદર રોડ ઉપર ઔરંગા અને વાંકી નદી કિનારે બનાવેલા કુત્રિમ પાણીના કુંડમાં મૂર્તિઓનું વિધિ વિધાન સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ધાર્મિક હર્ષો ઉલ્લાસ સાથે વિસર્જન કરાયું હતું. શહેરભરના 126 ગણેશ મંડળો દ્વારા ઢોલ નગારા સાથે ઔરંગા અને વાંકી કિનારે પહોંચી વિસર્જન કરાયું હતું. વિસર્જન વખતે કાયદો વ્યવસ્થા જાળવવા 2 પીઆઈ, 5 પીએસઆઈ, 96 પોકો, 96 હોમગાર્ડને તૈનાત કરાયા હતા. જ્યારે વિસર્જન સ્થળે નગરપાલિકાના 51 કર્મચારીઓને ફરજ પર મુકાયા હતા.
નદીમાં પડી જતા વલસાડ પાલિકાના કર્મચારીનું મોત
વલસાડ : વલસાડ નગર પાલિકાના વોટર વર્કસ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા કર્મચારી સંદીપભાઈ ગણપતભાઈ નાયકા રવિવારે ફરજ પર હતા. તે દરમ્યાન ડેમમાં પાણીનું લેવલ ચેક કરવા જતાં પગથિયાં પરથી સ્લીપ થતાં નદીમાં પડી ગયા હતા. નદીમાં ડૂબી જવાનાં કારણે સંદીપનું અકાળે અવસાન થતાં પાલિકા વર્તુળ તેમજ તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
પોલીસ અધિક્ષકે ગણપતિ બાપાની મૂર્તિને હાથ અડાવી વિદાય આપી
વલસાડના ઔરંગા નદી કિનારે રવિવારે અનંતચૌદશના ગણપતિ વિસર્જન વેળાએ પોલીસ બંદોબસ્તના નિરીક્ષણમાં આવેલા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ પણ ગણપતિબાપાની મૂર્તિને હાથ અડાવી ભાવભરી વિદાય આપી હતી.