ગાંધીનગર: અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતમાં વધી રહેલા કોરોનાના ( CORONA ) કેસોને કાબુમાં કેવી રીતે લાવવા તેની લંબાણપૂર્વકની ચર્ચા કર્યા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે ( AMIT SHAH) કહ્યું હતું કે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ( HELIPAD GROUND) માં 1200 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે. જેમાં 600 બેડ પર ઓક્સિજન ઉપરાંત આઈસીયુની પણ સુવિધા રહેશે.
શાહે અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આવતીકાલથી યુનિ. કન્વેશન સેન્ટરમાં 900 બેડની ધન્વંતરી હોસ્પિટલ શરૂ કરાશે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન ( OXYGEN) અને રેમડેસિવિર ( REMDESIVIR) ના પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે પણ ચર્ચા કરાઈ છે. જો કે હું કહી શકીશ કે ગુજરાતમાં પુરતા પ્રમાણમાં સારી વ્યવસ્થા થઈ રહી છે. ગુજરાતમાં ઓક્સિજનનો બગાડ પણ થઈ રહ્યો છે. જેને અટકાવવા માટે આઈએએસ અધિકારીને જવાબદારી સોંપાઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. રાજ્યમાં રસીકરણ ઝડપથી થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારે કોરોનાની પહેલી લહેરમાં બહાર આવ્યા તેમ બીજી લહેરમાંથી ગુજરાત બહાર આવશે. અન્ય કેટલાક નિર્ણયો થયા છે પરતુ આ નિર્ણયો અંગેની જાહેરાત એક અઠવાડીયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. હું માત્ર અપીલ કરવા માંગીશ કે તબીબો રેમડેસિવિર ત્યારે જ પ્રિસ્ક્રાઇબ કરે જ્યારે જરૂર હોય. કોરોનાના દર્દીઓની સારવાર માટે એક પ્રોટોકોલ જાહર કરાયો છે.
વધારે પડતો ઓક્સિજન કે રેમડેસિવિરનો ડોઝ દર્દી માટે તકલીફ પણ ઉભો કરતો હોય છે. ગુજરાત સરકારે એક કમિટી બનાવીને ગાઇડ લાઇન બનાવવાનો નિર્ણય લીધો છે.શાહે કહ્યું હતું કે ટાટા ટ્રસ્ટના સહયોગથી ગાંધીનગર હેલિપેડ એક્સિબિશન સેન્ટરમાં 1200 બેડની હોસ્પિટલ બનાવાશે. જેમાં 600 આઇસીયું બેડ હશે. તેના કારણે બેડની ઉપલબ્ધતામાં મોટો વધારો થશે. આ હોસ્પિટલનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉપાડશે. ત્યાર બાદનું સંચાલન સહિતની કામગીરી ડીઆરડીઓ દ્વારા કરવામાં આવશે.