દેશમાં ડીઝલ અને પેટ્રોલની કિંમત આસમાને પહોંચી છે. ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર ગયો છે. અને દરરોજ ભાવ વધારો થઇ રહ્યો છે. આ વધતા ભાવોની અસરથી સામાન્ય લોકો પરેશાન છે ત્યારે કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે શુક્રવારે કોંગ્રેસે ‘મોંઘો ગેસ મોંઘું તેલ બંધ કરો લૂંટનો ખેલ, મોદી સરકાર મોંઘી સરકાર, મોંઘા કર્યા પેટ્રોલના દામ ભાજપને હવે આપો આરામ’ સહિતના નારા લગાવી મોદી સરકારનો વિરોધ કર્યો હતો.
ખેરગામ કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયતના માજી પ્રમુખ સંગીતા નાયક, વિભા દેસાઈ, અમિત પટેલ, ધર્મેશ પટેલ, વિજય નાયક, પ્રકાશ પટેલ, સુભાષ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગણદેવી કોંગ્રેસે પણ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડાંગ કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં આહવાનાં પેટ્રોલપંપ પાસે કોંગ્રેસી કાર્યકરોએ પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેને પગલે પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા. ધરમપુર કોંગ્રેસે ભાવ વધારા સામે વિરોધ કરતા કોંગ્રેસના માજી સાંસદ કિશન પટેલ, ધરમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ, તા.પં. સભ્ય બાલુ સિધા, અનિલ પટેલ, રાજુ પટેલ સહિત અનેક કાર્યકર્તાની પોલીસે ધરપકડ કરી હતી.
માજી સાંસદ કિશન પટેલે જણાવ્યું હતું કે, સરકારે પેટ્રોલ, ડિઝલ સહિત જીવન જરૂરીયાતની વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો કરતાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પરતું ભાજપે પોલીસને આગળ કરી અમારા વિરોધ પ્રદર્શનને રોકવાનો પ્રયાસ કર્યો છે, એ લોકશાહીનું ખૂન કહી શકાય. વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં હનુમાનબારી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં જિલ્લા વિરોધ પક્ષના નેતા ચંદુભાઈ જાદવ, જિલ્લા પંચાયતના સદસ્ય ચંપાબેન કુંવર, યુવક કોંગ્રેસ પ્રમુખ રાજીતભાઈ પાનવાલા, ઇલ્યાસ પ્રાણીયા, તાલુકા સભ્ય યોગેશભાઈ દેસાઈ, યુથ કોંગ્રેસના આગેવાન નિકુંજ ગાંવિત, મનીષભાઈ, કુણાલભાઈ હાજર રહ્યા હતા.
માત્ર પાંચ જ મહિનામાં ૪૩ વખત ભાવવધારો
ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, પૂર્વ પ્રમુખ મગન આમધરા, સોલધરાના આઇ.સી. પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ૧૩ માસમાં જ પેટ્રોલમાં ૨૫.૭૨ અને ડીઝલમાં ૨૩.૯૩ રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અને માત્ર પાંચ જ મહિનામાં ૪૩ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ૬૦ ટકાથી પણ વધુ ટેક્ષ પેટ્રોલ ડીઝલ ઉપર પ્રજાજનો પરથી વસુલ કરી રહી છે ત્યારે જો આ ભાવવધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સરકારના ખીસ્સામાં 1 લીટરે 34 કે 35 રૂપિયા જાય છે
સરકારે એક્સાઇઝ ડ્યુટી પણ વધારી દીધી છે. જેના કારણે સરકારના ગજવે 1 લીટરે 34 કે 35 રૂપિયા જાય છે. જો આ ભાવવધારો પાછો નહીં ખેંચાય તો હવે રસ્તા ચક્કાજામ કરવામાં આવશે – અનંત પટેલ, ધારાસભ્ય