સુરત: સુરત(surat )ની ” સૂરત ” દિવસને દિવસે બગડી રહી છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં જ ચર્ચિત ગ્રીષ્મા હત્યાકાંડ કેસમાંથી લોકો બહાર આવી શક્યા નથી ત્યાં વધુ એક ઘટનાએ કાયદો વયવસ્થા પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોળવા ખાતે પરપ્રાંતીય વિસ્તારમાં રહેતી 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હવસનો શિકાર બનાવી હતી.
ધી ગ્રેટ ઈન્ડિયન મર્ડર જેવી જ ઘટના સુરતના પલસાણા ખાતેના જોળવામાં બનવા પામી છે. અહીં એક 12 વર્ષીય બાળકી ગુપ્ત ભાગેથી લોહી નીકળતી હાલતમાં મળી આવી હતી. તે જે રૂમમાં મળી હતી તે રૂમ બહારથી લોક કરી દેવાયો હતો. કોઈ નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરી તેને લોહી નીકળતી હાલતમાં મરવા માટે રૂમને લોક મારી છોડી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નરાધમે બાળકીને રૂમમાં લઇ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમની હવસનો શિકાર બનેલી બાળકી લોહી લુહાણ હાલતમાં કણસતી રહી અને નરાધમ તેને ગંભીર હાલતમાં મૂકી રૂમને બહારથી તાળું મારી ફરાર થઇ ગયો હતો. પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ નરાધમે બાળકીને એ હદે પીંખી નાંખી હતી કે તેની જીવ બચી શક્યો નહીં. બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયો છે. સમગ્ર મામલે પોલીસે નરાધમની શોધખોળ હાથ ધરી છે.નાની બહેન બિસ્કિટ લેવા ગઈ અને મોટી બહેન પીંખાઈ ગઈ
સુરત(surat)માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે. દિવસે ને દિવસે સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને સુરત જિલ્લા (Surat district)માં જે પ્રકાર ઘટના સામે આવી રહી છે તેને લઈને પોલીસ કામગીરી પર સવાલો ઉભા થયા છે. સુરત જિલ્લામાં બનેલો ગ્રીષ્મા હત્યાકાંડ (grishma murdar case )લોકો ભૂલી શક્યા નથી ત્યાં વધુ એક ઘટનાએ સનસનાટી ફેલાવી છે.
પલસાણા (palsana)તાલુકાના ઔદ્યોગિક એકમોથી ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં રવિવારના રોજ સાઈબા મિલની સામે આવેલી એક બિલ્ડિંગમાં એક પરિવાર ભાડેથી રહે છે. આ પરિવારમાં દંપતી ઉપરાંત બે બાળકી પણ હતી. રવિવારના માતા- પિતા પોતાની નોકરીએ ગયા બાદ બાળકીઓ ઘરમાં એકલી હતી.સાંજના સમયે 7 વર્ષની એક બાળકી બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. આ સમયે 12 વર્ષી બીજી બાળકી ઘરમાં એકલી હતી. આ દરમ્યાન એક અજાણ્યો નરાધમ ઘરમાં ઘુસી આવ્યો હતો અને બાળકીને બિલ્ડીંગના અન્ય એક રૂમમાં લઇ ગયો હતો. જ્યા તેને બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
નરાધમનો શિકાર બનેલી બાળકી લોહી લુહાણ હાલતમાં હતી
નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી.બાળકી લોહી લુહાણ થવાની સાથે તે બેભાન અવસ્થામાં આવી ગઈ હતી. પરંતુ આ નરાધમ બાળકીને દર્દમાં જ કણસતી મૂકીને રૂમની બહાર તાળું મારીને ફરાર થઇ ગયો હતો. સાંજના સમયે બાળકીના માતા -પિતા નોકરી પરથી પરત આવતા તેને બાળકીને શોધતા તે મળી ન હતી. જેથી તેની શોધખોળ હાથ ધરતા તેઓને એક અવાવરું રૂમને તાળું મારેલું હોવાનું નજરે ચડ્યું હતું. જેથી આ રૂમ તાળું તોડી માતા પિતા રૂમમાં પ્રવેશતા જ તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પોતાની બાળકીને લોહી લુહાણ હાલતમાં જોઈને માતા-પિતા હેબતાઈ ગયા હતું. તુરંત જ તેઓ સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તબીબ નહિ મળતા બાળકીને ત્યાંથી ચલથાણની ખાનગીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ બાળકીને બચાવી શકાય નહીં. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શંકમંદોની પૂછપરછ શરૂ કરી હતી.
સ્થાનિક વ્યક્તિ પર પોલીસની શંકાની સોય
બાળકી સાથે જે બિલ્ડિંગમાં ઘટના બની ત્યાં લગભગ 10 જેટલા પરિવારો રહે છે. બાળકીઓ ઘરમાં એકલી હતી એ વાત બિલ્ડીંગમાં રહેતા લોકોને જાણ હોય નજીકમાં રહેતા નરાધમો સંડોવણી હોવાની પોલીસને આશંકા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને બિલ્ડીંગના અન્ય રહીશોના નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. જેમાં લોકોના નિવેદનના આધારે સાઈબા અને સૂચિ મિલમાંથી બે શકમંદોને પોલીસ ઊંચકી લીધા બાદ તેની પૂછપરછ કરી રહી છે. જો કે ઘટનાના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અપહરણ બાદ દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે.