શહેરના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર પહેલાં જ એક કરૂણ ઘટના બની છે. પતંગ પકડવા દોડેલા 12 વર્ષના કિશોરનું મોત નિપજ્યું છે. આ કિશોર પર દીવાલ પડી હતી. દીવાલ નીચે દબાઈ જવાથી તેને ગંભીર ઈજા થઈ હતી. તેને પગલે તેનું મોત નિપજ્યું છે. બાળકના અકાળ મોતથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયતના સંગમ વિસ્તારમાં નાના મેદાનની નજીક 12 વર્ષીય મોહમ્મદ ફૈઝાન પતંગ પકડવા માટે દોડતો હતો ત્યારે અચાનક જ એક જૂની જર્જરિત દીવાલ તેના પર તૂટી પડી હતી. દીવાલનો મોટો હિસ્સો મોહમ્મદની છાતી પર પડ્યો હતો. તેથી તેનું મોત નિપજ્યું છે. આજુબાજુના લોકોએ કાટમાળ દૂર કરી તેને બહાર કાઢ્યો હતો. તેના પિતા મોહમ્મદ શમીમને જાણ કરી હતી. તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ તેને બચાવી શકાયો નહોતો.
મૃતકના પિતા મોહમ્મદ શમીમ કાપડ માર્કેટમાં પેકિંગનું કામ કરે છે. મૃતક મોહમ્મદ પરિવારનો સૌથી નાનો દીકરો હતો. તેના બે ભાઈ અને એક બહેન છે. પરિવારનું મૂળ વતન બિહારનું મુઝ્ફ્ફરપુર છે. 20 વર્ષથી સુરતમાં રહી મજૂરી કામ કરે છે.