આણંદ : આણંદ જિલ્લામાં વિવિધ યોજના હેઠળ મનરેગાના શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ શ્રમિકોને છેલ્લા ત્રણ માસથી પગાર આપવામાં આવ્યો નથી. જેના કારણે ભારે રોષની લાગણી જન્મી છે. આ અંગે આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાએ સંકલન બેઠકમાં પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. જેમાં જિલ્લાના 12 હજારથી વધુ મનરેગામાં કામ કરતાં શ્રમિકોને ત્રણ મહિનામાંથી 2.43 કરોડ જેવી રકમ ચુકવવાની બાકી હોવાનું ખુલ્યું હતું. જેના કારણે શ્રમિકોની હાલત કફોડી બની છે. જોકે, નિયમ મુજબ 15 દિવસમાં નાણાં ચૂકવી દેવાનો હોય છે, તે આજે ત્રણ મહિનાનો સમય થઈ ગયો હોવા છતા પણ ચુકવવામાં આવ્યા નથી.
આણંદની સંકલન બેઠકમાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા મનરેગાના શ્રમિકોને ચુકવાતા વળતર સંદર્ભે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા ત્રણ મહિનાથી શ્રમિકોના ખાતામાં નાણાં જમા ન થવાના કારણે તેઓની હાલત કફોડી બની હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં અધિકારીઓએ ગ્રાન્ટના અભાવે શ્રમિકોના ખાતામાં નાણાં જમા થયાં ન હોવાનું કબુલ્યું હતું. આ બાબતના નિરાકરણ માટે વડી કચેરીમાં લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને છેલ્લા 3 માસથી રૂ. 2,43,20,122 જેવી બાકી રકમનું મહેનતાણું ચુકવવાનું બાકી છે. આણંદ જિલ્લામાં મનરેગા હેઠળના શ્રમિકોને સરકાર દ્વારા પગાર ન ચૂકવવામાં આવતા મજૂરી કરીને પેટિયું રળતા શ્રમિકોની હાલત કફોડી બનતા સરકાર દ્વારા વહેલીતકે ચૂકવણું કરવામાં આવે તેવી શ્રમિકો માગ કરી રહ્યા છે. ત્રણ મહિના વિતવા છતાં શ્રમિકોને મહેનતાણું ચૂકવવામાં ન આવતા કામના સ્થળ પર કર્મચારીઓ સાથે શ્રમિકોના ઘર્ષણના બનાવો પણ વધ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકોને પોતાના જ ગામમાં રોજગારી મળી રહે અને રોજગારીને લઈને થતું સ્થળાંતર અટકે તથા ગ્રામ્ય સ્તરે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઊભી થાય તે હેતુસર મનરેગા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રમિકોને સમયસર ચુકવણું ન થવાથી મનરેગા યોજના નો હેતુ માર્યો જાય છે અને ડિલે કોમ્પાન્ઝેશનની જવાબદારી ઊભી થાય છે. કાયદાની જોગવાઈને લઈ ડિલે કોમ્પન્ઝેશન સાથે ચૂકવણું કરવામાં આવે તેવી શ્રમિકો માગ કરી રહ્યા છે.