ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના પ્રશ્નપત્રના પરિરૂપ અને ગુણભાર જાહેર કરાયા છે. બોર્ડ દ્વારા પ્રાયોગીક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તે પહેલા વિદ્યાર્થીઓની તૈયારી માટે પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરી દેવાયું છે. જેમાં 4 ગુણ પ્રાયોગિક નોંધપોથી એટલે કે જર્નલના આપવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત રસાયણ વિજ્ઞાનમાં 16 ગુણનો એક પ્રશ્ન પુસ્તક બહારથી પુછાશે. જ્યારે ભૌતિક વિજ્ઞાનમાં 23-23 ગુણના બે પ્રયોગ પુછવામાં આવશે.
રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિમાં સરકાર દ્વારા ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. ઉપરાંત પરીક્ષા પધ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ફેરફાર અન્વયે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના પ્રશ્નપત્રના પરિરૂપ, ગુણભાર અને નમુનાના પ્રશ્નનપત્રો તૈયાર કરી સ્કૂલોને મોકલી આપ્યા છે. જેમાં સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગીક પરીક્ષા માટેના પરિરૂપ પણ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ધોરણ-12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાનની પ્રાયોગીક પરીક્ષા 50 ગુણની રહેશે. જેમાં પાર્ટ-એ 16 ગુણનું અને પાર્ટ-બી 34 ગુણનું હશે. પાર્ટ-એ લખવા માટે એક કલાકનો સમય મળશે અને તે પુસ્તક સિવાયનું હશે. જ્યારે પાર્ટ-બી બે કલાકનું હશે. પાર્ટ-એ પ્રથમ પુરવણીમાં લખવાનો રહેશે અને ત્યાર બાદ પુરવણી પરીક્ષકને જમા કરાવ્યા બાદ પાર્ટ-બી અન્ય પુરવણીમાં લખવાની રહેશે.
જીવ વિજ્ઞાનની પ્રાયોગીક પરીક્ષા પણ 50 ગુણની હશે. જેમાં પાંચ પ્રશ્નો પુછવામાં આવશે. જેમાં એક પ્રશ્ન આકૃતિ દોરી વર્ણન કરવાનો હશે અને તે 24 માર્કનો પુછાશે. જ્યારે 8 માર્કનો એક પ્રશ્ન અને 7-7 ગુણના બે પ્રશ્નો હશે. ભૌતિક વિજ્ઞાનમાં પણ પ્રાયોગીક પરીક્ષા બે પાર્ટમાં લેવાશે. જેમાં વિદ્યાર્થીએ બે પ્રયોગ કરવાના રહેશે. આમ 23-23 ગુણના બે પ્રયોગના મળી કુલ 46 માર્ક હશે. પ્રયોગમાં પણ જુદાજુદા સ્ટેપના માર્ક નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રક્ટીકલ પરીક્ષામાં 4 માર્ક પ્રાયોગિક નોંધપોથી એટલે કે જર્નલના નક્કી કરાયા છે. ત્રણેય વિષયમાં 4-4 ગુણ જર્નલના રાખવામાં આવ્યા છે. આમ, બોર્ડ દ્વારા આગામી સાયન્સની પ્રાયોગીક પરીક્ષાને લઈને પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરી દેવામાં આવ્યું છે.