વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ ખાતે મંગળવારની રાતે બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેના વિડીયો વાયરલ થયા બાદ 48 કલાકે પોલીસ વિભાગ જાગ્યું હતું અને આ ઘટનામાં સંડોવાયેલા 12 ઈસમોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં બુટલેગર હુસેન સુન્ની અને તેના જ મિત્ર જાવેદ શેખ વચ્ચે મંગળવારે નજીવી બાબતે મારામારી થઇ હતી. જેમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં બંને જૂથના સમર્થકો એક બીજા ઉપર તૂટી પડ્યા હતા અને હોસ્પિટલને બાનમાં લીધી હતી. એક તબક્કે નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે રાતે પોલીસને જાણ કરતા રાવ પુરા પોલીસ મથકના સૂરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ જોવા જેવી વાત એ હતી કે આ ઘટના અંગે રાવપુરા પોલીસે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધી ન હતી. આખરે આ બાબત ડીસીપી અભય સોનીના ધ્યાન ઉપર આવતા તેઓએ ટકોર કરી હતી અને ઘટનાના લગભગ 48 કલાક બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલ બે મહિલાઓ સહીત કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી હુસેન સુન્ની તથા જાવેદ શેખનો પણ સમાવેશ થાય છે.
વિડીયો જોઈને 12 વ્યક્તિઓને શોધ્યા છે
આ વિડીયો અમને મળતા તાપસ કરતા જાણવા મળ્યું કે બંને વચ્ચે અગાઉથી અદાવત હતી અને જમીન તેમજ પ્રોપર્ટી રિલેટેડ બબાલ ચાલતી હતી. હોસ્પિટલમાં પહોંચી તેઓએ ગાળાગાળી શરુ કરી હતી. વિડીયો જોઈને અમે તમામને શોધ્યા છે. અને 10 પુરુષ તેમજ 2 મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એક્ટિવ થઈને કામગીરી કરી છે. અને તમામ સામે રાયોટીંગનો પણ ગુનો નોંધ્યો છે. આ મામલે સરકાર તરફે ફરિયાદ કરવામાં આવી છે. – અભય સોની – ડીસીપી ઝોન 2
પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટનો ગુનો નોંધ્યો
સરકારી હોસ્પિટલમાં છુટ્ટા હાથની મારામારી કરી હોસ્પિટલને બાનમાં લેનાર 12 વ્યક્તિઓ સામે કડક રહે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસે પ્રથમ તો કઈ ફરિયાદ નોંધી ન હતી અને ફરિયાદીની રાહ જોઈ રહ્યા હતા. રાવપુરા પોલીસે વર્ધી લેવાની પણ તસ્દી લીધી ન હતી. જો કે ત્યાર બાદ મોડે મોડેથી પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંગેનો ગુનો નોંધ્યો હતી. અને કાર્યવાહી કરી હતી.