વડોદરા મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2024-25ના નાણાકીય વર્ષ માટે વેરાબિલોની વસુલાત ઝડપી અને અસરકારક બનાવવા માટે 80% વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે. આ યોજના દ્વારા રહેણાંક અને બિન-રહેણાંક મિલકતધારકોને બાકી વેરા પર 80% વ્યાજમાં રાહત આપવામાં આવી રહી છે. વડોદરા મહાનગર પાલિકા માટે આ વર્ષનું બજેટ લક્ષ્યાંક રૂ. 724 કરોડ છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે પાલિકા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રૂ. 650 કરોડની વસુલાત થઈ ચૂકી છે. પાલિકા દ્વારા બાકીદારો સામે કડક પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 12 જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 60,000 કરતાં વધુ મિલકતો સીલ કરાઈ છે. માત્ર આજના દિવસમાં 1,240થી વધુ બિન-રહેણાંક મિલકતો સીલ કરવામાં આવી છે. જ્યારે 60 રહેણાંક મિલકતોના પાણી કનેકશન કાપી દેવામાં આવ્યા છે. 80% વ્યાજ માફી યોજના 31 માર્ચ 2025 સુધી જ માન્ય રહેશે. એટલે કે, માત્ર થોડા જ દિવસો બાકી છે. મહાનગર પાલિકા દ્વારા તમામ કરદાતાઓને આ યોજના હેઠળ વ્યાજ માફીનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.
