SURAT

સુરતી માંજો, છત્રી, દાંડિયા માટે ભરોસાનું પાત્ર છે 116 વર્ષની ધર્મેશ એન્ડ કાું. પેઢી

ભાગળ સ્થિત ડબગરવાડમાં આખું વર્ષ છત્રી, ઢોલ, પતંગ, માંજા અને દાંડિયા માટે ભીડ હોય છે. આ વસ્તુઓ માટે સુરતીઓની પહેલી નજર ડબગરવાડ પર જ પડતી હોય છે. આ વાતથી તો તમામ સુરતીઓ વાકેફ છે જ. પણ તમને કદાચ ખબર નહીં હોય કે, પોલીસ સ્ટીક, કસરત માટેની સ્ટીક અને વયોવૃદ્ધ લોકો માટેની નેતર અને મેટલની સ્ટીક પણ અહીં મળી રહે છે. ડબગરવાડમાં તમે પ્રવેશ કરો તો તરત ધર્મેશ એન્ડ કું. પર નજર પડે. આ પેઢીનાં હાલના સંચાલકોનું કહેવું છે કે, ડબગરવાડમાં સૌથી જૂની પેઢી તેમની છે. પેઢીની શરૂઆતમાં માત્ર છત્રીઓ વેચવામાં આવતી. સમય જતા માત્ર છત્રીના વેચાણથી ધંધો આગળ નહીં વધી શકે એવું લાગતા માંજો ઘસવાનો ધંધો પણ સાથે શરૂ કર્યો.

પહેલાં તો હાથથી માંજો ઘસાતો. લોકો જાતે ત્યાં ઉભા રહીને દોરી ઘસાવતા એ નજારો હવે મુશ્કેલથી જોવા મળે. 116 વર્ષની આ પેઢીનાં હાલના સંચાલકો કહે છે કે, તેમના દાદાના દાદા રાજસ્થાનથી અહીં સુરત આવીને વસ્યા અને રોજીરોટી માટે ડબગરવાડ પર પસંદગી ઉતારી હતી. છત્રીના વેચાણથી શરૂ થયેલી આ પેઢીએ સીઝનલ ધંધો અપનાવી સુરતીઓને ખાતરી પ્રમાણેની વસ્તુઓ પુરી પાડી લોકોના દિલ જીતી લીધા છે. આ પેઢીનાં સ્થાપક પહેલાં ઢોલ-નગારા બનાવવાનું કામ કરતા તો સુરતમાં આવીને તેમણે છત્રીના ધંધા પર કેમ હાથ અજમાવ્યો? તેમણે પેઢીનું નામ ચેન્જ કરીને ધર્મેશ એન્ડ કું. કેમ રાખ્યુ? તે આપણે આ દુકાનની પાંચમી અને છઠ્ઠી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

વંશવેલો
કાલીદાસ દુર્લભરામ છત્રીવાલા
રણછોડદાસ કાલીદાસ છત્રીવાલા
કાંતિલાલ રણછોડદાસ છત્રીવાલા
અશોકકુમાર કાંતિલાલ છત્રીવાલા
ધર્મેશભાઈ અશોકકુમાર છત્રીવાલા
આદિત્ય ધર્મેશભાઈ છત્રીવાલા

સૌપ્રથમ 2006માં સુરતમાં કસરતની સ્ટીક મેં બનાવી: ધર્મેશ છત્રીવાલા
પાંચમી પેઢીનાં સંચાલક ધર્મેશભાઈ છત્રીવાલાએ જણાવ્યું કે, ફિટનેસ ક્ષેત્રના નિષ્ણાત રાજ શેટ્ટી મને મળ્યા હતા અને કસરત માટેની સ્ટીક બનાવવાનો આઈડિયા મને આપ્યો હતો. મેં તેમના આઈડિયાનું અનુસરણ કરી કસરત માટેની લાકડીની સ્ટીક બનાવી હતી. આ સ્ટીક મેં 11 ઓક્ટોબર 2006માં બનાવી તેનું વેચાણ શરૂ કર્યું હતું. જિમમાં આવી સ્ટીકથી કસરત કરાવવામાં આવે છે. અમારી પેઢીમાંથી જીમમાંથી 8-9 સંચાલકો આ સ્ટીક ખરીદે છે તથા પર્સનલ યુઝ માટે પણ એની સારી ખપત છે. એકવાર બેંગ્લોરમાં ફિટનેસને લઈને આયોજિત કરવામાં આવેલા પ્રોગ્રામમાં પણ અમારી પેઢીમાંથી આવી સ્ટીક લઈ જવામાં આવી હતી.

વર-કન્યાના નામના પ્રિન્ટવાળા દાંડિયા વિદેશ જાય છે: આદિત્ય છત્રીવાલા
છઠ્ઠી પેઢીનાં સંચાલક આદિત્ય છત્રીવાલાએ જણાવ્યું કે અમે 30 વર્ષ પહેલાં નવરાત્રી માટે દાંડિયાનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યારે દાંડિયા ગોધરાથી મંગાવવામાં આવતા હતા. ત્યારે બે કલર, ત્રણ કલર, સંખેડા પ્રિન્ટના દાંડિયા આવતા. બાદમાં એલ્યુમિનિયમ અને સ્ટીલના દાંડિયા, બેરિંગ (ફરતા) દાંડિયા, લાઇટિંગવાળા અને વાંસના દાંડિયા પ્રચલિત થયા. U.S.A., U.K.માં વસેલા ગુજરાતીઓ લગ્નના અવસર પર પ્રિન્ટ કરેલા દાંડિયા અમારે ત્યાંથી લઈ જાય છે. ગુજરાતી N.R.I. તેની પર વર-કન્યાના નામ અને લગ્નની તારીખની પ્રિન્ટ કરાવે છે. આવા દાંડિયા તેઓ લગ્નના અવસર પર આમંત્રિત મહેમાનોને ગિફ્ટમાં આપે છે.

પેઢીનાં સ્થાપક કાલિદાસ છત્રીવાલા રાજસ્થાનથી આવ્યા હતાં
કાલીદાસ દુર્લભરામ છત્રીવાલા રાજસ્થાનના ભીલમાડાથી સુરત આવ્યા હતા. રાજસ્થાનમાં ઢોલ બનાવવાનું કામ કરતા હતા. પણ ધંધામાં બરક્ત નહીં હોવાથી ધંધા-રોજગારની તલાશમાં સુરત આવ્યા હતા તેમણે નાના ભાઈ મંછરામ સાથે ડબગરવાડમાં કે.ડી. એન્ડ સન્સના નામથી છત્રીનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારે છત્રી બનાવવાનું તાઈવાન કાપડ ઇંગ્લેન્ડથી આવતું. જ્યારે છત્રી બનાવવાનો છૂટો સામાન જેમકે, તાર, રનલ, ડવર કલકત્તાથી ટ્રેનમાં મંગાવવામાં આવતું. તે જમાનામાં તો માત્ર કાળા રંગની ત્રણ પ્રકારની છત્રી મળતી. ત્યારે છત્રી લેવા ભરૂચ, વડોદરા, અમદાવાદ, નડીયાદ, ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પરના ગામના લોકો, રાંદેર, વલસાડ, વાપી, નવસારીના લોકો અહીં સુધી આવતા. થોડાક સમયમાં તેમના ભાઈ મંછારામ ધંધામાંથી છુટા પડ્યા હતા.

રણછોડદાસે હાથથી માંજો ઘસવાનું કામ પણ શરૂ કર્યું હતું
પેઢીની સ્થાપના થઇ ત્યારે તો માત્ર કારીગરો પાસેથી છત્રી બનાવી વેચવાનું કામ કરવામાં આવતું. પણ માત્ર આ એક ધંધાથી ચાલે એવું નહીં હતું એટલે કાલિદાસ છત્રીવાલાના પુત્ર રણછોડદાસે હાથથી માંજો ઘસવાનું કામ પણ શરૂ કરી ધંધાનો વ્યાપ વધાર્યો હતો. ત્યારે તો મોકળાશની જગ્યા હતી એટલે હાથથી માંજાનું કામ સરળ હતું. માંજા માટે કાચો દોરો સુરતમાંથી જ મેળવતા. લાઈ, કાંચ અને કલરથી દોરી ધસાતી. અમદાવાદથી બ્રેક થયેલી સોડાની બોટલ મંગાવતા જેનો ભુક્કો કરી કાંચ બનાવતા.લૂગદી મેંદાને ઘટ્ટ ગરમ કરી ચીકાસવાળી બનાવતા.

વિદેશ જતા સ્ટુડન્ટસ અહીંથી છત્રી લઈ જાય છે
આદિત્ય છત્રીવાલાએ જણાવ્યું કે, જે સ્ટુડન્ટ ભણવા માટે વિદેશ જતા હોય તેઓ આમારી પેઢીમાંથી છત્રીઓ લઈ જાય છે. કારણકે, વિદેશમાં છત્રી ખરીદવી મોંઘી પડે છે. સ્કૂલોમાં પણ અમારી છત્રીઓ જાય છે.

કોરોનાના લોકડાઉનમાં પોલીસ સ્ટીકનું વેચાણ વધ્યું હતું
ધર્મેશભાઈએ જણાવ્યું કે, કોરોના કાળમાં લોકડાઉનનો સમય હતો ત્યારે પોલીસ સ્ટીક અને ગાર્ડન અમબ્રેલાનું વેચાણ વધ્યું હતું. ત્યારે શહેરના દરેક સ્થળો પર પોલીસ તૈનાત હતી એ વખતે પોલીસ પોતાની પાસે આ સ્ટીક રાખતી. વળી, ગરમીનો સમય હોવાથી પોલીસ છાંયડામાં બેસી શકે તે માટે ગાર્ડન અંબ્રેલા લઈ જતા. ત્યારે તો દુકાન બંધ હતી એટલે પોલીસ મને ઘરે લેવા આવતી અને દુકાનમાંથી આ વસ્તુઓ લીધા બાદ ઘરે મુકવા પણ આવતી.
ધંધાને હજી આગળ ધપાવવો છે
ધર્મેશભાઈએ જણાવ્યું કે, અમારે આ જ ધંધાને આગળ ધપાવવો છે. અમારા ધંધા સંબંધિત બીજી વસ્તુઓનું વેચાણ શરૂ કરી એમાં નવીનતા બતાવવી છે.

અશોકભાઈએ પેઢીનું નામ બદલી ધર્મેશ એન્ડ કાું. કર્યું
રણછોડદાસ બાદ પેઢીનું સંચાલન તેમના પુત્ર કાંતિલાલે કર્યું હતું. બાદમાં કાંતિલાલના પુત્ર અશોકકુમારે ધંધાની બાગડોર સંભાળી. અશોક-ભાઈએ ધંધાનું વિસ્તરણ કરી ઇલેક્ટ્રિક ચરખા પર માંજો, નેતરના લાકડા અને મેટલની સ્ટીક ઉપરાંત ગાર્ડનની છત્રી, ગણેશ ઉત્સવના ઢોલ ઉપરાંત ગઝીબોનું ઉમેરણ કરી ધંધાનો વિસ્તાર કર્યો હતો. ધંધાનો વિસ્તાર થતા તેમને પેઢીનું નામ બદલીને પુત્ર ધર્મેશના નામ પર ધર્મેશ એન્ડ કું. નામ રાખ્યું.

ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીમાં ઢોલ-નગારાનું વેચાણ વધી જાય છે
ધર્મેશભાઈએ જણાવ્યું કે, ગણેશ ઉત્સવમાં શહેરના ગણેશ મંડળો ઢોલ-નગારા ખરીદવા અને નાના ઢોલ-નગારા બાળકો માટે ખરીદવા લાઇન લાગે છે. એ જ રીતે જન્માષ્ટમીમાં પણ ઢોલ-નગારા મટકી ફોડ મંડળો લઈ જતા હોય છે. ગઝીબો ફોર વ્હીલ અને ટૂ-વ્હીલના ડેમો માટે શો-રૂમવાળા લઈ જાય છે. ગાર્ડન, ખુલ્લા પાર્ટી પ્લોટ માટે પણ ગજેબો લઈ જવામાં આવે છે. લગ્ન પ્રસંગોના ડેકોરેશન માટે ડેકોરેટિવ છત્રી લઈ જવાતી હોય છે. જે 1100થી માંડીને 1500-1700 રૂપિયાની કિંમતે મળે છે.

Most Popular

To Top