વડોદરા/સાવલી, : સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી કેબલ કંપનીમાંથી તસ્કરો મશીનમાં લગાવેલ કોપર રોડ કાપી 1100 કિલો અને પાંચ બોબીનમાં ભરેલા 187 કિલો કોપર વાયર કાપીને કુલ રૂપિયા 9,36,936 નો મુદ્દામાલ ચોરી ગયા હતા. તસ્કરો કંપનીની બાજુમાં આવેલ ઝાડ ઉપર ચઢીને શેડમાં લાગેલા સ્ક્રુ ખોલી કંપનીમાં પ્રવેશી ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે સાવલી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કોપર ચોરીનો ભેદ ઉકેલવા માટે નજીકમાં લાગેલા સીસીટીવી ફુટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
શહેરના સામ વિસ્તારના મંગલ પાંડે રોડ પર આવેલફોર્ચ્યુન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતા ગૌરવભાઈ મહેશચંદ ખંડેલવાલ સાવલી તાલુકાના અલીન્દ્રા જીઆઇડીસીમા ખંડેલવાલ કેબલ લિમિટેડ નામની કંપની ધરાવી વેપાર કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવાળીના પર્વ દરમિયાન કંપની તા. 2 નવેમ્બરથી તા. 8 નવેમ્બર સુધી બંધ રાખવામાં આવી હતી. તેનો લાભ ઉઠાવી આ કંપનીમાંથી તસ્કરો મશીનમાં લગાવેલ કોપર રોડ કાપી 1100 કિલો અને પાંચ બોબીનમાં ભરેલા 187 કિલો કોપર વાયર કાપીને કુલ રૂપિયા 9,36,936 નો મુદ્દામાલ ચોરી ગયા હતા.
અત્રે નોંધનીય છે કે, તસ્કરોએ કંપનીના વાયર ડ્રોઈંગ શેડના પાછળના ભાગે શેડને અડીને આવેલ ઝાડ ઉપર ચડીને કંપનીના શેડ ઉપર આવ્યા હતા. ત્યારબાદ શેડના પતરા ઉપર લગાવેલ સ્ક્રૂ ખોલીને તે વાટે કંપનીમાં પ્રવેશી ચોરી કરી નાસી ગયા હતા. જોકે ગત તા. 9 નવેમ્બરના રોજ ગૌરવભાઈએ કંપની પર જઈ તપાસ કરતા તમામ સામાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો. તેમજ કંપનીમાં ચોરી થયાનું જણાઇ આવ્યું હતું. જેથી તેઓએ કંપનીમાં તપાસ કર્યા બાદ દિવાળીના તહેવાર નિમિતે બંધ રાખવામાં આવેલ કંપનીનો લાભ ઉઠાવી તસ્કરો રૂ.9.36 લાખની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સાવલી પોલીસ મથકમાં નોંધાવાઇ હતી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સાવલી પોલીસે કોપર ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી ફુટેજની પણ તપાસ હાથ ધરી છે.