પલસાણા: પલસાણા (Palsana) તાલુકાના જોળવા ખાતે આવેલ પરપ્રાંતીય વસતી ધરાવતા વિસ્તારમાં રવિવારે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી. 11 વર્ષની માસૂમ બાળાને બિલ્ડિંગમાં જ રહેતા નરાધમે હવસનો શિકાર બનાવી તેને અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર પાશવી બળાત્કાર (rape) ગુજારી હત્યા (murder) કરી હતી. આ ઘટનામાં જિલ્લા પોલીસે આ જ બિલ્ડિંગમાં રહેતા એક 28 વર્ષીય પરિણીત યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય આરોપી કાલુરામની પણ ધરપકડ કરવામાં આવી હતી.
- બળાત્કાર કરતાં પહેલાં બે નરાધમ દ્વારા તેના પર વોચ રખાઈ હતી
- મા-બાપ નહીં રહેતા હોવાને કારણે બળાત્કારીઓએ બાળકીને શિકાર બનાવી
- બળાત્કાર ગુજાર્યા બાદ બાળકીને ચહેરા પર નરાધમોએ મુક્કા મારીને મારી નાંખી
- પોલીસે બળાત્કાર ગુજારનાર દયાચંદ અને કાલુરામની ધરપકડ કરી
પલસાણાના જોળવા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં સાહીબા મિલની સામે આવેલી એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરપ્રાંતીય પરિવારની 11 વર્ષીય બાળાને રવિવારે સાંજે નરાધમે બિલ્ડિંગના એક બંધ રૂમમાં લઈ જઈ પીંખી નાંખી લોહીલુહાણ હાલતમાં બાળકીની હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ રૂમના દરવાજાને આગળથી તાળું મારી હત્યારો ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થઈ ન હતી. સાંજના સમયે બાળકીની માતા ઘરે આવતાં દીકરી ઘરમાં હાજર મળી ન હતી. જેથી બિલ્ડિંગના રહીશો સાથે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન બાળકીના પિતા પણ આવી પહોંચ્યા હતા અને તે સમયે આ જ બિલ્ડિંગમાં ખાલી પડી રહેલા રૂમ પૈકી એક રૂમને નવું તાળું મારેલું જણાતાં પરિવારના સભ્યોએ આ રૂમનું તાળું તોડી અંદર તપાસ કરતાં બાળકી લોહીલુહાણ હાલતમાં રૂમમાં મળી આવી હતી. જેને સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.
આ ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તેમજ અન્ય પોલીસ સ્ટાફનો કાફલો જોળવા ખાતે પહોંચી ગયો હતો અને મૃતક બાળકીના પિતાની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને બાળકીના પરિવારે આ જ બિલ્ડિંગમાં રહેતા દયાચંદ ઉમરાવ પટેલ (ઉં.વ.30) (હાલ રહે.,સાઈબા મિલની સામે, ભરવાડની ચાલમાં, જોળવા, મૂળ-રહે.,મગરધા, તા.જિ.સાગર, મધ્યપ્રદેશ) તેમજ તેમના એક સંબંધી કાળુરામ પર શંકા વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસે ગુનાની તપાસ દરમિયાન આ જઘન્ય કૃત્યમાં જવાબદાર દયાચંદની ધરપકડ કરી છે. તેણે એકલતાનો લાભ લઇ બાળકીને બિલ્ડિંગના ખાલી પડી રહેલા અવાવરુ રૂમમાં લઈ ગઈ બળાત્કાર ગુજારી હત્યા કરી નાંખી હતી અને પુરાવા નાશ કરવા રૂમની બહાર તાળું મારી દીધું હતું. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
બળાત્કાર કરતાં પહેલાં દયાચંદ અને કાલુરામે રેકી પણ કરી હતી
પોલીસ દ્વારા આ કાંડમાં બે આરોપીની ધરપકડ બતાવવામાં આવી છે. તેમાં વધારે આરોપીઓ છે કે નહીં એ મામલે પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દયારામ દ્વારા પહેલાં બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે કાલુરામ દરવાજા પર ઊભો હતો. ત્યારબાદ કાલુરામે દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત બાળકીને મોઢા પર મુક્કા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. બાળકીને એટલી ઘાતકી રીતે મારવામાં આવી કે પોલીસ પણ જોઇને સન્ન રહી ગઇ હતી.
નવું તાળું પોલીસને આરોપી સુધી લઈ ગયું
હત્યાના આરોપી સુધી પહોંચવા પોલીસને રૂમની બહાર મારેલું નવું તાળું મદદરૂપ સાબિત થયું હતું. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે જે રૂમમાં બળાત્કાર થયો હતો અને ત્યાર બાદ બાળકીનો મૃતદેહ છુપાવવા આ રૂમની બહાર જે નવું તાળું મારવામાં આવ્યું હતું, તે તાળું મારતા ભોગ બનનારનો નાનો ભાઈ જોઇ ગયો હતો. જેથી પોલીસે આજુબાજુના વિસ્તારમાં દુકાન તેમજ લારીગલ્લા ઉપર તપાસ કરતાં એક લારી ઉપરથી આ તાળું હત્યારાએ ખરીદ્યું હોવાનું જણાયું હતું. લારીની આજુબાજુની દુકાનનાં CCTV ફૂટેજ ચેક કરતાં દયાચંદે જ આ તાળું ખરીદ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે
બિલ્ડિંગના રહેતા દયારામને મિલના ગેટ ઉપરથી પોલીસે ઊંચકી લીધો હતો
આ અરેરાટી ફેલાવતી ઘટનામાં નજીકમાં રહેતા નરાધમો સંડોવાયેલા હોવાની શક્યતા દેખાઈ રહી હતી. ભોગ બનનારની બિલ્ડિંગમાં અંદાજિત 10 જેટલા પરિવારો રહે છે અને બાળકી એકલી હોઈ એ આ જ બિલ્ડિંગમાં રહેતી વ્યક્તિ જાણતી હોઈ એ સ્વાભાવિક છે. આવા જ વ્યક્તિએ બાળકીને પોતાની વાસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી હોવાની શક્યતાના આધારે એ દિશામાં પોલીસે તપાસ કરી હતી અને નજીકની વ્યક્તિ જ આ પ્રકારનું ગંભીર કૃત્ય કર્યા બાદ રૂમને તાળું મારવાની હિંમત કરી શકે. પોલીસે ભોગ બનનારની નાની બહેન અને ત્યાં સ્થાનિકની પૂછપરછ કરતાં દયારામ ઉપર શંકા જતાં તેને સૂચિ ડાઇંગ મિલ ઉપર કામ અર્થે આવ્યો ત્યારે જ ગેટ ઉપરથી ઊંચકી લીધો હતો.
જોળવાની ગંભીર ઘટનાના વિરોધમાં રેલીનું આયોજન પણ કરાયું હતું
જોળવાની આ ગંભીર ઘટનામાં પરપ્રાંતીય નેતાઓએ બાળકીને ન્યાય અપાવવા રાતોરાત મોટી રેલીનું આયોજન કર્યું હતું. પરંતુ પોલીસ અને સામાજિક આગેવાનોએ હાલની પરિસ્થિતિ અંગે પરપ્રાંતીય સાથે ચર્ચાવિમર્શ કરતાં હાલ રેલી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દે મંગળવારે પરપ્રાંતીય આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ગૃહમંત્રીને રજૂઆત કરી તાકીદે બાળકીના પરિવારને ન્યાય મળે એ દિશામાં ગાંધીનગર જઈ રજૂઆત કરવા માટે નીકળી ગયા હોવાનું એક આગેવાને જણાવ્યું હતું
ઔદ્યોગિક વિસ્તારમાં નશીલા પદાર્થો સરળતાથી મળી રહેતા હોવાથી ગુનામાં વધારો
પલસાણા તાલુકામાં કડોદરા, જોળવા, તાતીથૈયા, વરેલી, ચલથાણ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતી પરિવારો રોજગારી અર્થે વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારોમાં દારૂ-ગાંજો જેવા માદક પદાર્થ સરળતાથી મળી રહેતા હોવાથી આ વિસ્તારમાં ગુનાખોરી દિનપ્રતિદિન વધી રહી છે.