SURAT

શંકાસ્પદ ચાંદીપુરાએ સુરતમાં એકનો ભોગ લીધો, 11 વર્ષીય બાળકીનું મોત થયું

સુરતઃ હજુ તો ગઈકાલે રવિવારે સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને આજે તે બે પૈકી એક બાળકીનું મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. 11 વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા બિમારી બાદ મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સચિન સ્લમ બોર્ડ આવાસમાં રહેતી બાળકી બિમાર પડતા તેને ગયા શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીને ખૂબ તાવ આવી રહ્યો હતો. તબીબી પરિક્ષણ કરાતા બાળકીમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવ્યા હતા, જેથી તબીબોએ તેની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે, આજે વહેલી સવારે સારવાર દરમિયાન જ બાળકીનું મોત નિપજ્યું હતું.

વધુમાં મળતી માહિતી અનુસાર બાળકીને અચાનક તાવ આવ્યો હતો. તેને ખેંચ પણ આવી રહી હતી. શુક્રવારે વધુ તાવ આવતા માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાંના તબીબોએ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવા સૂચના આપી હતી. તેથી બાળકીને સિવિલમાં દાખલ કરાઈ હતી. તબીબોએ તેની સારવાર કરી હતી, પરંતુ આજે સવારે અચાનક તેનું મોત નિપજ્યું હતું. બાળકીના સેમ્પલ લઈ ગાંધીનગર લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી અપાયા છે.

ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં ચિંતાજનક વધારો
ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં ઉત્તરોત્તર ચિંતાજનક હદે વધારો થયો છે. આજે સુરતમાં 1 બાળકીનું મોત થયું તે પહેલાં રવિવાર સુધીમાં રાજ્યમાં 27 બાળકોના આ બિમારીના મોત થઈ ચૂક્યા છે. રવિવારે બનાસકાંઠામાં બે બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર રાજ્યના 21 જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના 71થી વધુ કેસ નોંધાયા છે.

આ અગાઉ પંચમહાલમાં 4, અરવલ્લીમાં 3, મોરબીમાં 3, અમદાવાદ શહેરમાં 3, સાબરકાંઠામાં 2, દાહોદમાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 2 , ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, વડોદરા, દ્વારકા, સુરેન્દ્રનગર અને મહિસાગરમાં 1 બાળકનું મોત થઈ ચૂક્યું છે.

Most Popular

To Top