SURAT

કેબલ સ્ટેઈડ બ્રિજની બાજુની અડાજણની હોટલની લિફ્ટમાં 11 લોકો ફસાયા, પછી શું થયું જાણો..

સુરતઃ સુરતીલાલાઓ રવિવારના દિવસે બહાર હોટલોમાં ખાવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક બહાર લહેજત માણવાની મજા સજા બની જતી હોય છે. આવું જ કંઈક રવિવાર 22 સપ્ટેમ્બરની રાત્રે અડાજણ વિસ્તારની એક હોટલમાં ડિનર માટે ગયેલા લોકો સાથે થયું હતું. આ હોટલની લિફ્ટમાં 11 લોકો ફસાઈ ગયા હતા. નાના બાળકો સાથે 25 મિનિટ સુધી લોકો લિફ્ટમાં કેદ થઈ જતા અકળામણ અનુભવી હતી. પોલીસ અને ફાયર વિભાગે દોડી જઈ લિફ્ટની બહાર કાઢી લોકોનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે કેબલ સ્ટેઈડ બ્રિજની બાજુમાં આવેલી હોટલમાં રવિવારે રાત્રે મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ હતી. સ્ટાર બજારની સામે રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી જાણીતી હોટલમાં રવિવારે રાતે જમવા ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ ગયા હતા.

ઓટોમેટિક લિફ્ટ અચાનક અધવચ્ચે બંધ થઈ જતા અને તેનો દરવાજો નહીં ખુલતા અંદર ઉભેલા પરિવારોના જીવ અધ્ધર થઈ ગયા હતા. 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં વધુ લોકો ચડી જતાં 25 મિનિટ તેઓ ફસાઈ રહ્યાં હતાં. જે અંગેની ફાયર વિભાગને જાણ કરતા સ્થળે દોડી જઈ તમામને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં.

રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ 5 નામની આ જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા ગયા હતા. પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે છઠ્ઠા માળેથી ગ્રાન્ટ રોડ ઉપર આવી રહ્યા હતા. તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા હતા.

અલગ-અલગ પરિવારના લોકો પોતાના નાના બાળકો સાથે ડિનર લેવા માટે હોટલમાં આવ્યા હતા. લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોટી ગયો હતો. માત્ર એક-એક વર્ષના બાળકો તેમની સાથે લિફ્ટમાં હતા.

ફાયર ઓફિસર સંપત સુધારે જણાવ્યું કે, હોટલમાંથી કોલ મળ્યો હતો કે લિફ્ટમાં લોકો ફસાઈ ગયા છે. તાત્કાલિક ફાયરની ટીમ દોડી ગઈ હતી. લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી. ફાયરની ટીમે તાત્કાલિક લિફ્ટનો દરવાજો ખોલી તમાને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા.

એક વર્ષથી નાની ઉંમરના બાળકો પણ ફસાયા હતા. તેથી તેમના માતાપિતા ડરી ગયા હતા. અમે સમય વેડફ્યા વિના ઝડપથી તમામને બહાર કાઢી લીધા હતા. રવિવારનો દિવસ હોય પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમને પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી આપી હતી.

Most Popular

To Top