જમ્મુ, તા. ૩૦(પીટીઆઈ): રિયાસી અને રામબન જિલ્લાના ઉંડાણના ગામોમાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવા અને ભૂસ્ખલનની બે ઘટનાઓમાં એક જ પરિવારના સાત સભ્યો સહિત ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે. જમ્મુ અને કાશ્મીર, છેલ્લા પખવાડિયામાં શ્રેણીબદ્ધ કુદરતી આફતોથી ઘેરાયેલું છે, અને જીવનજીવન ખોરવાઇ ગયું છે.
આ કેન્દ્રશાસિત પ્રદેશ ૧૪ ઓગસ્ટથી શ્રેણીબદ્ધ વાદળ ફાટવા અને ભૂસ્ખલનનો સામનો કરી રહ્યો છે. તાજેતરની ઘટનાઓ સાથે, જમ્મુમાં ૧૩૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ૧૪૦ ઘાયલ થયા છે, જ્યારે ૩૨ યાત્રાળુઓ હજુ પણ ગુમ છે. રિયાસી જિલ્લામાં ત્રિકુટા ટેકરીઓ પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા શનિવારે પાંચમા દિવસે પણ સ્થગિત રહી હતી. મંગળવારે કટરાથી મંદિર સુધીના ૧૨ કિલોમીટરના વળાંકવાળા ટ્રેક રૂટ પર ભૂસ્ખલન થતાં ૩૪ જેટલા યાત્રાળુઓના મોત થયા હતા. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અધિકારીઓને પરિસ્થિતિનું ચોવીસ કલાક દેખરેખ રાખવા અને જોખમી વિસ્તારોમાંથી લોકોને સમયસર સ્થળાંતર કરવા નિર્દેશ આપ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જમ્મુ ક્ષેત્રમાં થયેલા રેકોર્ડ વરસાદને કારણે વિનાશ થયો હતો, જેમાં સેંકડો મિલકતોને નુકસાન થયું હતું અને ડઝનબંધ રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા હતા, જેના કારણે મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફિક સ્થગિત થઈ ગયો હતો, ઉપરાંત રેલ વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.
શનિવારે વહેલી સવારે, રિયાસી જિલ્લાના દૂરના બડર ગામમાં ભૂસ્ખલનથી એક ઘર ધરાશાયી થયું હતું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. મકાન પર માટી ધસી પડતા તેઓ જીવતા દટાઈ ગયા હતા, સ્થાનિક લોકોએ કાટમાળની શોધખોળ કરી હતી અને બાદમાં પોલીસ પણ તેમની સાથે જોડાઈ હતી, પરંતુ માત્ર મૃતદેહો બહાર કાઢવામાં સફળ રહી હતી. રામબન જિલ્લામાં, દૂરના ગામમાં વાદળ ફાટવાથી બે ભાઈઓ સહિત ચાર લોકોના મોત થયા હતા, જેના કારણે બે ઘરો અને એક શાળાને નુકસાન થયું હતું. શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ જિલ્લા મુખ્યાલયથી લગભગ ૨૫ કિલોમીટર દૂર આવેલા પર્વતીય રાજગઢમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું.