નડિયાદ: કપડવંજના દાસલવાડા ગામની સીમમાં ગૌરક્ષકોએ એક મિનીટ્રક રોકી, તેમાં ભરી કતલખાને લઈ જવાતી 9 ગાયો અને 2 વાછરડીને બચાવી છે. સાથે જ મિનીટ્રકના ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી પોલીસને સોંપ્યાં છે. પોલીસ તપાસમાં આ ગાયોને બાયડથી મિનીટ્રકમાં ભરી નાસીકના કતલખાને લઈ જવાતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગાયો તેમજ મિનીટ્રક મળી કુલ રૂપિયા 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કપડવંજ તાલુકાના દાસલવાડા ગામના હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ રોહિતભાઈ રમણલાલ ગોહિલ તેમજ કપડવંજ જયમાતાજી ગ્રુપના સભ્યો કિંજલસિંહ રાઠોડ, અમિતસિંહ ગોહિલ, અરવિંદભાઈ પરમાર, અજયભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર, કિરણભાઈ પરમાર સહિતની ટીમ મંગળવારના રોજ મોડી સાંજના સમયે દાસલવાડા ગામની સીમમાં હાજર હતાં. દરમિયાન આ યુવકોએ શંકાને આધારે માર્ગ પરથી પસાર થતી એક બંધ બોડીની મિનીટ્રક નં જીજે 31 ટી 6084 ને રોકી હતી. જે બાદ આ મિનીટ્રકની તલાશી લેતાં તેમાં પાછળના ભાગે 9 ગાય અને 2 વાછરડીને ટુંકા દોરડા વડે ગળું ટુંપાય તે રીતે બાંધેલ હતાં.
જેથી સ્થળ પર હંગામો થયો હતો. દરમિયાન નજીકમાં જ હાજર આતરસુંબા પોલીસની ટીમ સ્થળ પર આવી ગઈ હતી અને સઘળી હકીકત જાણ્યાં બાદ મિનીટ્રકના ચાલક વશીમ રફીક મન્સુરી તેમજ તેમાં સવાર આનંદ રમેશ ઝાલા (બંન્ને રહે.ચોઈલા, બાયડ, અરવલ્લી) ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે કરેલી પુછપરછમાં આ પશુઓને બાયડથી મિનીટ્રકમાં ભરી, નાસીકના કતલખાને લઈ જવાતાં હોવાનું પકડાયેલાં બંને શખ્સોએ કબુલ્યું હતું. જેથી પોલીસે તમામ 11 પશુઓ કિંમત રૂ.7,00,000 તેમજ મિનીટ્રક કિંમત રૂ.25,00,000 મળી કુલ રૂ.32,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલાં બંને શખ્સો વિરૂધ્ધ પશુક્રુરતાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.