સુરત મનપાની ચૂંટણી આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યાં છે ત્યારે ધીરેધીરે રાજકારણ તેની ચરમસીમા પર પહોંચી રહ્યું છે. રાજકારણની લડાઈ શેરી-મહોલ્લાથી લઇને ઉમેદવારોના ઘર સુધી પણ પહોંચી ચૂકી છે. વોર્ડ નંબર 15માંથી ચુંટણી લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવાર મનીષા આહિરના પતિ મહેશ આહિર અચાનક કોંગ્રેસમાં જોડાઈ જતાં આહિર સમાજમાં જ ખળભળાટ મચ્યો છે.
મનિષા આહિરના પતિ મહેશ આહિરે મનિષા જે પેનલમાંથી ચૂંટણી લડી રહી છે તેની સામેની જ કોંગ્રેસની પેનલની સભામાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો.
મનિષા આહિર પોતાના માટે ભાજપનો પ્રચાર કરી રહી હતી, તો પતિ મહેશે હવે તેની જ સામે કોંગ્રેસનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ બાબતે મનિષા આહીરે જણાવ્યું હતું કે, હું મહિલાઓના અવાજને બુલંદ બનાવવા જ ચૂંટણી લડી રહી છે.
મારી સામે લડનારા લોકો અને તેને સાથ આપનારા લોકો માટે મારે કોઇ ટીપ્પણી કરવી નથી. તે તેના સંસ્કાર હશે, અમે ઘણા સમયથી સાથે રહેતા પણ નથી અને અમારી વિચારધારા અલગ છે. બીજી તરફ તેના પતિ મહેશ આહિરે કહ્યું હતું કે, હું સત્યની સાથે છે, અધર્મીની સાથે નહીં.