ઉમરેઠ તા.5
ઉમરેઠના વણસોલ ગામમાં આવેલા વિવાહ પાર્ટી પ્લોટમાં ત્રાટકેલા તસ્કરાએ લગ્ન સમારંભની વિધિ દરમિયાન જ રોકડા, દાગીના સહિત રૂ.11.85 લાખના મુદ્દામાલ ભરેલો થેલો ચોરી કરી ભાગી ગયો હતો. આ અંગે ભાલેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદના વિણા ગામના વતની અને સામરખા ગામમાં રહેતા મનીષાબહેન કિર્તીકુમાર પટેલ છેલ્લા 14 વર્ષથી લંડન સ્થાયી થયાં છે. મનીષાબહેનની દિકરી રીયાના લગ્ન નક્કી કર્યાં હતાં. જેથી 4થી ફેબ્રુઆરી, 2024ના રોજ પણસોરા – નડિયાદ રોડ પર વ્રજ હોટલની બાજુમાં આવેલા વિવાહ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી, ઘરના બધા સભ્યો, સગા – સંબંધી પાર્ટી પ્લોટમાં હાજર હતાં. આ પ્રસંગની વિધી ચાલુ હતી તે સમયે દિકરી રીયાના લગ્ન પ્રસંગ માટે લાવેલા દર-દાગીના, રોકડ રકમ તથા ફિક્સ ડિપોઝીટના સર્ટીફિકેટ જે તેમની પાસે કાળા કલરના થેલામાં મુકી રાખી હતી. તે થેલો સ્ટેજની બાજુમાં ખુરશીમાં બેઠેલા તેમના માતા લીલાબહેનને સોંપ્યો હતો. આ સમયે બધા મંડપ મુર્હૂતની વિધીમાં રોકાયેલા હતા અને વિધી દરમિયાન બધા ફોટા પડાવવા વારા ફરતી સ્ટેજ પર આવતાં હતાં. જોકે, વિધી પૂર્ણ થયા બાદ પૈસાની જરૂર પડતાં તેઓએ થેલાની તપાસ કરતાં તે જણાઇ આવ્યો નહતો. આથી, ઘરના સભ્યો ચોંકી ગયાં હતાં અને તપાસ કરતા ન મળતાં ચોરીની શંકાથી સીસીટીવી ફુટેજ ચેક કર્યાં હતાં. આ દરમિયાન એક શખ્સ સોના – ચાંદીના દાગીના તથા રોકડ રકમ રાખેલા કાળા કલરનો થેલો લઇ રોડ તરફ જતો જોવા મળ્યો હતો. જ્યારે બીજો શખ્સ રોડ પર ઉભી રહેલી ગાડીમાં બેસી તે પુરઝડપે પણસોરા તરફ જતી જોવા મળી હતી.
આ થેલામાં સોના – ચાંદીના દાગીના, રોકડા રૂ. એક લાખ, બેંકના સર્ટીફિકેટ મળી કુલ રૂ.11.85 લાખનો મુદ્દામાલ હતો. જે બે શખ્સ ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે ભાલેજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરેઠમાં 11.85 લાખના દાગીના ને રોકડ ભરેલા થેલાની તફડંચી
By
Posted on