કેન્દ્રની મોદી સરકારે 05.08.2019 ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણીય કલમ 370 રદ કરી હતી. કલમ 370 નાબૂદ કરતા રાષ્ટ્રપતિના આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલો. રાષ્ટ્રપતિના સદરહુ આદેશને પડકારવામાં આવેલ એકથી વધુ અરજીઓને સાંભળવા માટે સુપ્રિમ કોર્ટે મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચની રચના કરી કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર રોજેરોજના ધોરણે સુનાવણી કરવાનું નક્કી કરી, 16 દિવસની એકધારી સુનાવણી બાદ જે તે અરજીઓ પરનો ચુકાદો અનામત રાખવામાં આવેલો.
જમ્મુ-કાશ્મીરની વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને રદ કરતા રાષ્ટ્રપતિના આદેશને સુપ્રિમ કોર્ટમાં કપિલ સિબ્બલ, દુષ્યંત દવે, પ્રશાંત ભૂષણ, અભિષેક સિંધવી જેવા વરિષ્ઠ વકીલો દ્વારા પડકારવામાં આવેલો. તેમ છતાં 11.12.2023ના રોજ ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળ પાંચ જજોની બંધારણીય બેંચે સર્વાનુમતે કલમ 370ને રદ કરતા મોદી સરકારના નિર્ણયને માન્ય રાખ્યો. વડા પ્રધાન મોદીના મત પ્રમાણે આ ઐતિહાસિક ચુકાદો અખંડ ભારતના નિર્માણ માટેના સામુહિક નિધાર્રકે પ્રમાણ છે.
જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણીય કલમ 370ને રદ કરવા માટે સૌ પ્રથમ અવાજ ઉઠાવનાર શ્યામાપ્રસાદ મુખર્જી હતાં, જેમણે ‘‘એક દેશ, દો વિધાન, દો નિશાન ઔર દો પ્રધાન નહિ ચલેગા’’નું સૂત્ર આપેલું, જે અખંડ ભારતના ઐતિહાસિક દિન 11.12.2023ના રોજ સાર્થક નિવડ્યું. જેમનો ગરાસ લૂંટાયો હોય એવા ફારુક અબ્દુલ્લાહ, ઑમર અબ્દુલ્લાહ, મહેબૂબા મુફતી, ગુલામ નબી આઝાદ અલગાવવાદીઓ તેમજ આતંકવાદીઓનું સમર્થન કરતા મુઠ્ઠીભર હુરિયતો કલમ 370 નાબૂદીને માન્ય રાખતા ચુકાદાનો વિરોધ કરે એ સ્વાભાવિક છે. એ અપવાદો બાદ કરતાં રાષ્ટ્રની રાષ્ટ્રપ્રેમી આવામે આ ચુકાદાને હૃદયથી આવકાર્યો છે. અંતે રાષ્ટ્રનું, ‘‘એક દેશ, એક સંવિધાન, એક વડા પ્રધાન, એક રાષ્ટ્રીય ધ્વજનું સ્વપ્ન સાકાર થયું એ રાષ્ટ્ર માટે અત્યંત સુખદ ઘટના ગણી શકાય. 11.12.2023નો ગૌરવપૂર્ણ દિન અખંડ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
વાઘલધરા – અશ્વિન દેસાઈ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.