Gujarat

ગુજરાતમાં નવા ૧૧ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવા કેન્દ્રએ આપી મંજૂરી : અમિત શાહ

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના કોલવડા સ્થિત ડેઝિગ્નેટેટ હોસ્પિટલ ખાતે ૨૮૦ PSA ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવ્યો હતો.ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોલવડા ખાતે આજે 66 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જેમને આજથી ઓક્સિજન ની સુવિધા ઉપલબ્ધ બનશે.

દર મિનિટે 280 લિટર ઓક્સિજન દર્દીઓને મળશે એટલું જ નહીં આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાયા છે જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં.તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયોજન હેઠળ દેશભરમાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે. અને વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે જે અન્ય લોકોને મદદરૂપ થશે.

શાહે કહ્યું હતું કે વિજય રૂપાણી અને નીતિન પટેલે ગુજરાતમાં કોરોના ની પ્રથમ લહેર વખતે જે રીતે કામગીરી કરી હતી એ જ રીતે આજે પણ કોરોના ની બીજી લહેર માં મક્કમ રીતે લડાઈ લડી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે આ બીજા તબક્કામાં પણ આપણે કોરોના ને હરાવીને ગુજરાતના નાગરિકોને બહાર લાવીને સુરક્ષિત કરીશું.

તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર ના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટાટા સન્સ અને ડીઆરડીઓના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત બનશે જેમાં 600 બેડ ICUની સુવિધા ધરાવતા હશે. જેનો લાભ પણ સત્વરે નાગરિકોનો મળતો થશે, આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે એમ પણ ઉમેર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

10 કરોડના આરોગ્ય સેવાના સાધનો આપ્યા
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જી.એમ.ડી.સી. હોસ્પિટલ અને કોલવડા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ બાદ પોતાના સંસદીય મત વિસ્તારના કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર સેવા માટે ૧૦ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવેલી આ સાધન સહાય આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી સંબધિત સ્થળોએ પહોચાડવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર વાહકોએ રવાના કરી હતી. આ આરોગ્ય સુવિધાનો લાભ ૮ લાખથી વધુ ગ્રામીણ લોકોને મળશે.

શાહે ગાંધીનગર લોકસભા સંસદીય મતવિસ્તારમાં રૂ. ૧૦ કરોડથી વધુ રકમની વ્યવસ્થા કરી છે, જેમાંથી ૧૦૦ બાયપેપ મશીન અને ૨૫ વેન્ટિલેટરની સુવિધા ઉભી થશે. આ બાયપેપ મશીનમાંથી ૫૦ સોલા સિવિલ ખાતે અને ૫૦ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત થશે. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે ૬ એમ્બ્યુલન્સ અને ૨ આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ અને ૨ મોબાઈલ લેબોરેટરીની સુવિધા જનતાને મળશે.

Most Popular

To Top