કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન આવતી કાલે કોરોનાનું વધારે સંક્રમણ ધરાવતા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરશે.
આ 11 રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.આરોગ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબમાં દૈનિક કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં નોંધાયેલા કુલ કેસના 81.90 ટકા કેસ આ રાજ્યોમાં નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ કેસ 57,074 નોંધાયા હતા. જે દેશભરમાં નોંધાયેલા નવા કેસોના 55.11 ટકા છે. ત્યારબાદ છત્તીસગઢમાં 5,250, કર્ણાટકમાં 4,553 કેસ નોંધાયા હતા. દેશમાં એક્ટિવ કેસ વધીને 7,41,830 થઈ ગયા છે. જે કુલ કેસના 5.89 ટકા છે.
આરોગ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા દર્શાવે છે કે, એક દિવસમાં 50,233 એક્ટિવ કેસનો વધારો થયો છે.દેશના કુલ એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબ – પાંચ રાજ્યોનો હિસ્સો 75.88 ટકા છે. મંત્રાલયે જણાવ્યું છે કે, એકલા મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ કેસ દેશના એક્ટિવ કેસના 58.23 ટકા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 52,847 લોકોની રિકવરી સાથે ભારતમાં કુલ રિકવર થયેલા લોકોનો આંકડો 1,16,82,136 થઈ ગયો છે.આ ઉપરાંત, એક દિવસમાં 478 લોકોના મોત નોંધાયા છે. દેશમાં નોંધાયેલા નવા મૃત્યુમાં આઠ રાજ્યોનો હિસ્સો 84.52 ટકા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 222 મૃત્યુ નોંધાયા હતા.