સુરત: શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમનું શિસ્તતાથી સુરતની પ્રજા પાલન કરતી થઈ છે. રાત્રિના 12 વાગ્યે પણ ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકો સ્વૈચ્છાએ ઉભા રહે છે, પરંતુ સિગ્નલની સિસ્ટમમાં હજુ પણ ઘણી ખામી છે, જેના લીધે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
- હોસ્પિટલ પહોંચે તે પહેલાં દર્દીને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ?
- નિયમ પાળવા તૈયાર પ્રજા હેરાન ન થાય તેનું ધ્યાન કોણ રાખશે?
- ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પાસે પ્રજા માંગી રહી છે જવાબ
ઘણા ઠેકાણે ટ્રાફિક સિગ્નલ બરોબર નજરે પડતા નથી. તો ઘણા ઠેકાણે સિગ્નલના ટાઈમિંગ બરોબર સેટ કરાયેલા ન હોવાના લીધે વાહન ચાલકોનો સમય વેડફાઈ રહ્યો છે. ઘણા રોડ પર 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ આવતા હોવાથી લાંબો સમય સુધી વાહન ચાલકોએ રોકાઈ રહેવું પડે છે. તેમ છતાં હસતાં મોંઢે આ સકારાત્મક બદલાવને સુરતીઓ સ્વીકારી રહ્યાં છે, પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે પ્રજા તો સુધરવા લાગી છે પરંતુ તંત્ર ક્યારે સુધરશે?
120 સેકન્ડના સ્ટોપ બાદ માત્ર 30 સેકન્ડ જ ટ્રાફિક છૂટતો હોય એક જ ટ્રાફિક સિગ્નલ પર બે થી ત્રણ વાર ઉભા રહેતા વાહન ચાલકોને તકલીફ નહીં પડે તેનું ધ્યાન કોણ રાખશે. ટ્રાફિક સિગ્નલના કડકાઈથી પાલનની લ્હાયમાં 108 અને એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતી હોવાના કિસ્સા બની રહ્યાં છે.
શુક્રવારે સાંજે આવો જ એક બનાવ કતારગામ ગોટાલાવાડી રોડ પર બન્યો હતો. અહીં 108 લાંબા ટ્રાફિકમાં ફસાઈ હતી. 108ની આગળ 1 કિ.મી. લાંબો ટ્રાફિક હતો. રેડ સિગ્નલ હોવાના લીધે વાહનો આગળ વધી શકતા નથી. કારણ કે જો વાહન ચાલકો રેડ સિગ્નલ તોડી આગળ વધે તો તેઓને મેમો મળે તેવો ભય રહે છે. આવા સંજોગોમાં દર્દીને કશું થઈ જાય તો તેની જવાબદારી કોની રહેશે?
આ સવાલ સુરતની જનતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને કરી રહી છે. કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી ચીમકી ઉચ્ચારી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારાઓના લાયસન્સ રદ કરી દેવાશે. ચોક્કસપણે નિયમ ભંગ કરનારના લાયસન્સ રદ થવા જ જોઈએ પરંતુ સિસ્ટમ પણ એવી હોવી જોઈએ કે જેથી વાહન ચાલકો તકલીફ વિના હસતા મોંઢે નિયમનું પાલન કરે.